VADODARA : અનેક મુશ્કેલીઓ પાર કરીને વડોદરા પોલીસ આરોપીને દબોચી લાવી હતી
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના માંજલપુર પોલીસ મથકના તત્કાલિન અધિકારીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવાના કોર્ટના આદેશનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. જો કે, પીટીશનના કામે નામદાર કોર્ટ દ્વારા અત્રેના માંજલપુર પોલીસ મથકમાં આજદિન સુધી કોઇ નોટીસ કે સમન્સ આપવામાં આવ્યો નથી. કે પીટીશનના પુરાવા મેળવવા માટે હાજર રાખવા આજદિન સુધી હુકમ કરવામાં આવ્યો નથી. તથા પીટીશનની નકલ કે આખરી હુકમની નકલ પોલીસ મથકને આજદિન સુધી મળી નહીં હોવાનું પીઆઇ દ્વારા આપવામાં આવેલી બ્રિફમાં દાવો કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન બંને ઇકો કાર રિકવર થઇ હતી
બ્રિફ આપતી યાદીમાં માંજલપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. ડી. ગમારા જણાવે છે કે, વર્ષ 2019 માં ગુનો દાખલ થયો હતો. જેની તપાસ પીએસઆઇ વી ડી ઝાલા, એમ. કે. ખરાડી અને બી. એસ. શેલાણએ કરી હતી. આ તપાસમાં આરોપી આશિષ લાલગીભાઇ ચૌહાણની શંકાના આધારે તપાસ કરીને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં ઇકો કાર તેની પાસે નહીં હોવાનું તેણે જણાવ્યું હતું. તપાસ દરમિયાન બંને ઇકો કાર રિકવર થઇ હતી. અને જેની પાસેથી રિકવર કરવામાં આવી હતી, તેણે આ કાર આશિષ ચૌહાણ પાસેથી વેચાણથી લીધી હોવાનું જણાવ્યું હતું.
અમરદિપસિંહ ચૌહાણ તથા એએસઆઇના શર્ટના બટનો તોડી નાંખ્યા
વધુમાં બ્રિફ અનુસાર, બાદમાં આરોપી આશિષ ચૌહાણ (રહે. ભાવનગર) નું નામ ખુલતા તપાસ કરવા માટે પીએસઆઇ બી. એસ. શેલાણા, એએસઆઇ મેહુલદાન, હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઇ શનાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ અમરદિપસિંહ, ઉપરી અધિકારીની મંજુરી મેળવીને ખાનગી કારમાં આરોપીની તપાસ કરવા માટે ભાવનગર ગયા હતા. જ્યાં આરોપી તેની દુકાને મળી આવ્યો હતો. તેને તપાસમાં સાથ-સહકાર આપવા જણાવતા તેણે પોલીસ કર્મીઓ જોડે ઝપાઝપી કરી હતી. બાદમાં પોલીસ કર્મીઓએ જરૂરી બળપ્રયોગ કરીને તેને ખાનગી વાહનમાં બેસાડીને ભાવનગરના ઘોઘારોડ પોલીસ મથક લઇ ગઇ હતી. જ્યાં આરોપીને તપાસમાં લઇ જવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. તે દરમિયાન આરોપીના ભાઇ ભાવેશ ચૌહાણ ગાડી પાસે આવ્યા હતા. અને પોલીસ જવાન અમરદિપસિંહ ચૌહાણ તથા એએસઆઇના શર્ટના બટનો તોડી નાંખ્યા હતા. એએસઆઇને માર મારતા તેમને ફ્રેક્ચર થયું હતું.
આરોપીઓ કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા
વધુમાં બ્રિફ અનુસાર, આમ કરીને આરોપીના પરિજને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતા આ બાબતે અમરદિંપસિંહએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. બાદમાં વધુ તપાસમાં આરોપીના પિતા લાલજીભાઇ ચૌહાણનું પણ નામ આરોપી તરીકે ખુલતા તેમની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં આરોપીઓ કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા હતા.
પુરાવા મેળવવા માટે હાજર રાખવા આજદિન સુધી હુકમ કરવામાં આવ્યો નથી
આખરમાં બ્રિફ અનુસાર, આરોપી દ્વારા પીટીશન કરવામાં આવી હોવાનું અને તેના અનુસંધાને કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેની સામે પીઆઇની બ્રિફમાં જણાવ્યું છે કે, પીટીશનના કામે નામદાર કોર્ટ દ્વારા અત્રેના માંજલપુર પોલીસ મથકમાં આજદિન સુધી કોઇ નોટીસ કે સમન્સ આપવામાં આવ્યો નથી. કે પીટીશનના પુરાવા મેળવવા માટે હાજર રાખવા આજદિન સુધી હુકમ કરવામાં આવ્યો નથી. તથા પીટીશનની નકલ કે આખરી હુકમની નકલ પોલીસ મથકને આજદિન સુધી મળી નથી.
આ પણ વાંચો -- VADODARA : વૃદ્ધાઓને ટાર્ગેટ કરતી ગેંગના ત્રણ ઝબ્બે, જાણો સમગ્ર ઘટનાક્રમ