VADODARA : દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ જતા ઓવર બ્રિજના નિર્માણકાર્યમાં ભારે ઢીલાશ
VADODARA : વડોદરા (VADODARA) શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફનું અંતર ઘટાડવા અને વાહનચાલકોની સુગમતા ખાતર ઓવર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી વર્ષ 2022 માં પૂર્ણ કરવામાં આવનાર હોવાના બોર્ડ મારવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2024 ને પૂર્ણ થવામાં માત્ર દોઢ મહિના જેટલો સમય બાકી છે ત્યારે પણ આ બ્રિજના ઠેકાણા નથી. સુત્રોના જણાવ્યા અનુસાર, રેલવે અને પાલિકા દ્વારા એકબીજાનો ખો આપવામાં આવતો હોવાથી આ કાર્યમાં વિલંબ થઇ રહ્યો છે.
બ્રિજની કામગીરી વર્ષ 2022 માં પૂર્ણ થવાનું બોર્ડ મારવામાં આવ્યું હતું.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ જતા ઓવર બ્રિજની કામગીરી પાંચ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. બ્રિજ રૂ. 41 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર હતો. અને આ બ્રિજની કામગીરી વર્ષ 2022 માં પૂર્ણ થવાનું બોર્ડ મારવામાં આવ્યું હતું. પરંતુ આ બ્રિજના કામમાં ભારે ઢીલાશ વર્તવામાં આવી રહી હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. આ બ્રિજનું કામ વિતેલા એક વર્ષથી જેમનું તેમ પડ્યું છે. જેને લઇને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
રેલવે વિભાગની દિવાલ તોડી નાંખવામાં આવી છે
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્ય પાલિકા અને રેલવે વચ્ચેની હુંસાતુંસીમાં અટક્યું છે. આ રસ્તા પરથી રોડ દોઢ લાખથી વધુ લોકો પસાર થાય છે. ત્યારે આ બ્રિજ જલ્દી થઇ જાય તેવું હવે સૌ કોઇ ઇચ્છી રહ્યા છે. આ કામગીરીમાં વિલંબ થવાના કારણે લોકોને પડતી મુશ્કેલીઓ પણ લંબાઇ છે. સુત્રોએ ઉમેર્યું કે, રેલવે વિભાગની દિવાલ તોડી નાંખવામાં આવી છે. જ્યાં સુધી તેમના દ્વારા તેની કામગીરી પૂર્ણ ના કરે ત્યાં સુધી વડોદરા પાલિકાના કોન્ટ્રાક્ટર કઇ કરી શકે તેમ નથી. હવે આ મામલાનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : વાઘોડિયામાં પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક ખાબકી, ચાલક ગંભીર


