VADODARA : શુભપ્રસંગો શરૂ થતા તસ્કરોએ પાર્ટી પ્લોટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
VADODARA : દેવઉઠી અગિયારસ બાદ વડોદરા (VADODARA) સહિત દેશભરમાં શુભપ્રસંગોની મોસમ ખીલી ઉઠી છે. ત્યારે હવે આ વાતનો ફાયદો લેવા માટે તસ્કરો પણ તૈયાર હોવાની સાબિતી આપતા બે કિસ્સાઓ પોલીસ મથક પહોંચ્યા છે. વડોદરા ગ્રામ્યમાં લગ્ન પ્રસંગના બે પાર્ટી પ્લોટમાંથી ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. બંને કિસ્સામાં પરિવારે દાગીના અને રોકડ મળીને મોટી મત્તા ગુમાવી છે. હવે આ કિસ્સાઓ આવવાના શરૂ થતા પોલીસ કેવી રીતે લોકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરે છે તે જોવું રહ્યું.
15 તોલાના દાગીના તથા રોકડ રૂ. 50 હજાર એક બેગમાં મૂક્યા
વડોદરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી પહેલી ફરિયાદ અનુસાર, દાહોદના સંજેલી ગામે રહેતા પ્રીતિબેન જીતેન્દ્રભાઈ કોઠારીની દીકરીના 26 નવેમ્બરના રોજ રાત્રે સેવાસી ખાતે આવેલા આરાના પાર્ટી પ્લોટમાં લગ્ન હતા. લગ્નમાં દીકરીને મહેમાનો તરફથી સોનાના દાગીના તેમજ રોકડ ભેટસ્વરૂપે મળ્યા હતા. પરિવારજનો દ્વારા દીકરીને લગ્નમાં મળેલા સોનાના પાટલા, સોનાની ચેન, સોનાની વીંટી, સોનાના સેટ, બ્રેસલેટ મળીને 15 તોલાના દાગીના તથા રોકડ રૂ. 50 હજાર એક બેગમાં મૂકી રાખવામાં આવ્યા હતા.
ગઠિયાઓ બેગ સેરવી ગયા
તેવામાં સાંજના સમયે ચાલી રહેલા લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ ગઠિયાઓ પ્રસંગમાં ભેટમાં મળેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ ભરેલી બેગ ઉઠાવી ગયા હતા. આ અંગેની જાણ દીકરી ની માતા પ્રીતિબેન કોઠારીને થતા તેઓએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
કાર લઇને લગ્ન પ્રસંગમાં આવ્યા
બીજી ફરિયાદ અનુસાર, સેવાસી-ખાનપુર રોડ ઉપર આવેલ રૂચી ફાર્મ હાઉસમાં બે ભાઈઓના લગ્ન હતા. આ લગ્ન પ્રસંગમાં સુરત વરાછા રોડ પર આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્યુફેક્ચરિંગ કરવાની કંપની ધરાવતા કપિલભાઈ પ્રાગજીભાઈ કસવાળા પરિવાર સાથે પોતાની કાર લઇને લગ્ન પ્રસંગમાં આવ્યા હતા.
રૂ. 2.22 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી ફરાર
સુરતથી કાકાના દીકરા ભાવેશ મધુભાઈ કસવાળાના બે દીકરાઓના લગ્ન પ્રસંગમાં આવેલા કપિલભાઈ કસવાળાએ કાર ફાર્મ હાઉસની બહાર પાર્ક કરી હતી. દરમિયાન કોઈ ગઠિયાઓ કારના ગ્લાસ તોડીને કારની ડીકીમાંથી બેગમાં મુકેલ દોઢ તોલાની બે સોનાની બંગડી તેમજ કપડા મળીને રૂ. 2.22 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. આ અંગે કપિલભાઈ કસવાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો -- VADODARA : એક ડઝનથી વધુ વખત નામ પોલીસ ચોપડે ચઢ્યું છતાં સુધારો નહીં


