VADODARA : MBA યુવકોએ ખેતપેદાશોના વેચાણને વ્યવસાય બનાવ્યો
VADODARA : સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી યુવાનો એવી નોકરી શોધમાં હોય છે કે જે સારી જીવનશૈલી અને સારો પગાર આપે. આકર્ષક પગાર અને સારા પેકેજ સાથે મોટી બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરવું એ સામાન્ય રીતે દરેક યુવાનની અપેક્ષા હોય છે.
માર્કેટિંગ કુશળતાનો ઉપયોગ
પરંતુ, આજે આપણે શહેરના (VADODARA) એવા બે યુવાનો વિશે જાણીશું કે જેમણે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને પ્રચાર કરવાના હેતુથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. જાણીને કદાચ તમને નવાઈ લાગશે, પરંતુ આ બંને યુવાનો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સાથે સંકળાયેલા છે અને તેમની માર્કેટિંગ કુશળતાનો ઉપયોગ કરીને તેઓ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરવા સાથે આ પેદાશોને ગ્રાહકોના ઘરે પણ પહોંચાડે છે.
ઓર્ડર મુજબ ગ્રાહકોના ઘર સુધી પહોંચાડે
એક યુવક નિસર્ગ રાઠોડ ખેડૂત પરિવારમાંથી છે તો બીજો યુવક તીર્થ પંડ્યા શરૂઆતથી જ કુદરતી ખેતી સાથે જોડાયેલો છે. જરોદ પાસેના અદિરણ ગામના ફાર્મમાં ઉગાડેલી કુદરતી ખેત પેદાશોનું આ બંને યુવાનો સોમવાર અને ગુરુવારે જૂની કલેક્ટર કચેરી ખાતે વેચાણ કરે છે. અઠવાડિયાના અન્ય દિવસોમાં તેઓ વડોદરા શહેરમાં પોતાની ખેત પેદાશો ઓર્ડર મુજબ ગ્રાહકોના ઘર સુધી પહોંચાડે છે. આ બંને યુવાનો એમબીએ ગ્રેજ્યુએટ છે અને પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે.
આત્મા પ્રોજેક્ટના મિલેટ એક્સ્પોમાં ભાગ લીધો
સાથે સાથે આ બંને યુવાનો વડોદરા શહેરના બગીચાઓમાંથી પ્રાકૃતિક ઉત્પાદનોના નમૂનાઓ અને પુસ્તિકા લઈને લોકોને કુદરતી રીતે ઉગાડવામાં આવતા શાકભાજી અને ફળોના ફાયદાઓથી વાકેફ કરે છે તેમજ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરી રહ્યા છે. તેઓએ આત્મા પ્રોજેક્ટના મિલેટ એક્સ્પોમાં પણ ભાગ લીધો હતો. હવે, તેઓ જૂની કલેક્ટર બિલ્ડીંગ પરિસરમાંથી તેમની પેદાશોનું સીધું વેચાણ કરી રહ્યા છે અને ગ્રાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મેળવી રહ્યા છે. તે બંને આ ક્ષેત્રમાં વિકાસ કરવા અને કુદરતી ખેતી અને તેના સ્વાસ્થ્ય લાભોને લોકપ્રિય બનાવવા માટે તેમની માર્કેટિંગ કુશળતાનો ઉપયોગ જનસમાજ માટે કરી રહ્યા છે.
લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે નિર્ધાર
એક મુલાકાતમાં નિસર્ગ રાઠોડે જણાવ્યું કે, મને પ્રકૃતિ સાથે રહેવું અને છોડ-વૃક્ષો સાથે સમય પસાર કરવો ગમે છે. સમય જતા મેં મારી જાતને કુદરતથી વધારે ઓતપ્રોત થવાનો પ્રયાસ કર્યો અને પ્રાકૃતિક ખેતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે નિર્ધાર કર્યો. આત્મા દ્વારા યોજાયેલા મિલેટ એક્સ્પોમાં ભાગ લેવાની તક મળી ત્યારે ખરા અર્થમાં મારા વિચારને વેગ મળ્યો.
પ્રાકૃતિક ખેત પેદાશોનું માર્કેટિંગ
એમબીએ પૂર્ણ કર્યા પછી આકર્ષક નોકરી અંગે કેમ ન વિચાર્યું ? આ પ્રશ્નના જવાબમાં નિસર્ગે કહ્યું કે, પ્રકૃતિ સાથે ઘરોબો હોવાથી પરંપરાગત નોકરીનો ખ્યાલ છોડીને મિત્ર સાથે ધરતી માતા માટે કંઈ કરવાનું અને વધારે ને વધારે લોકોને તેમના પ્રયત્નોમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. તેથી આ બંને યુવાનોએ નોકરી મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ભાવિ પેઢીને તંદુરસ્ત પ્રાકૃતિક પેદાશો મળે તેવા ધ્યેય સાથે, કુદરતી ખેતી માટે પોતાને સમર્પિત કરવાનો અને વ્યાપકપણે મહત્તમ લોકો સુધી પહોંચવા માટે સક્રિયપણે તેમની પ્રાકૃતિક ખેત પેદાશોનું માર્કેટિંગ કરવાનો સંકલ્પ કર્યો છે.
પોતાની જવાબદારી સમજવાની જરૂર
નિસર્ગ રાઠોડ અને તીર્થ પંડ્યા તો ધરતી માતાની સેવા સાથે જન આરોગ્યની નિ:સ્વાર્થ ભાવે દરકાર કરી રહ્યા છે. ત્યારે રાસાયણિક ખેતીને છોડીને ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ પણ આ મહાયજ્ઞમાં પોતાની જવાબદારી સમજવાની જરૂર છે.
આ પણ વાંચો -- VADODARA : ફાયર ટેન્ડર બેકાબુ બનતા રસ્તા પર ઉંધુ પડ્યું, મહિલા ઇજાગ્રસ્ત