VADODARA : ગેરકાયદેસર દબાણો સાથે હવે તંત્રની રડારમાં વિજ ચોરો
VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 10 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વચ્ચે હવે વિજ ચોરો પણ તંત્રની રડારમાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરાના માંડવી સબ ડિવિઝન (MANDVI SUB DIVISON) માં આવતા વિસ્તારમાં તાજેતરમાં વિજ કંપની દ્વારા વિજ ચોરો સામેની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ. 30 લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. જેને પગલે વિજ ચોરોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
અત્યાર સુધી 625 વિજ કનેક્શનોની ચકાસણી કરવામાં આવી
શહેરભરમાં ચાલતા ગેરકાયદેસર દબાણોની ઝૂંબેશ વચ્ચે વિજ કંપની એમજીવીસીએલ પણ મેદાને આવી હોય તેમ લાગી રહ્યું છે. વિજ કંપની દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો પૈકી એક માંડવી સબ ડિવીઝનમાં આવતા હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વિજ ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ ડિસ્કનેક્શન ડ્રાઇવ પણ ચાલી રહી છે. જેમાં જુના સિટીમાં ગણાત અંતરિયાળ વિસ્તારમાં વિજ ચેકીંગ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધી 625 વિજ કનેક્શનોની ચકાસણી કરવામાં આવી છે. તે પૈકી 32 કનેક્શનમાં વિજ ચોરી પકડાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. વિજ ચોરીની કિંમત રૂ. 30 લાખ આંકવામાં આવી રહી છે.
.................તો વિજ જોડાણ કાપવા સુધીની આકરી કાર્યવાહી
વિજ ચોરીના કિસ્સામાં કંપની દ્વારા વીજ અધિનિયમ 2003 ની કલમ 135 મુજબ ગ્રાહકને દંડ, પોલીસ કેસ અને દીવાની દાવો કરવામાં આવે છે. જો આ દંડના પૈસા ભરપાઇ કરવામાં ગ્રાહક નિષ્ફળ રહે તો વિજ જોડાણ કાપવા સુધીની આકરી કાર્યવાહી પણ કરવામાં આવે છે. ગેરકાયદેસર દબાણ બાદ હવે વિજ કંપનીની ટીમ દ્વારા પણ ગેરકાયદેસર વિજ કનેક્શન સામે લાલ આંખ કરવામાં આવતા ખોટું કરનારા તત્વોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. આ પ્રકારની ડ્રાઇવ સતત ચાલતી રહે તેવી લોકમાંગ ઉઠી છે.
આ પણ વાંચો -- VADODARA : અગોરા મોલ જોડેથી વસુલાત મામલે LIC ને મોટો ફટકો, જાણો વિગતવાર