VADODARA : ક્રિપ્ટો ટ્રેડિંગમાં કમાઇ લેવાના ઝાંસામાં આધેડે લાખો રૂપિયા ગુમાવ્યા
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા પોરમાં કાર્યરત કંપનીના વાઇસ પ્રેસિડન્ટ પાસેથી ક્રિપ્ટોમાં ટ્રેડિંગના બહાને ભેજાબાજોએ રૂ. 28.71 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ વિશ્વાસ કેળવવા માટે માત્ર રૂ. 9.81 લાખ પરત આપવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂ. 18.90 લાખ પરત નહીં આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. આખરે સાયબર ઠગાઇના પીડિતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ક્લાઈન્ટને થયેલા પ્રોફીટના ફોટા મોકલવામાં આવ્યા
વડોદરાના બિલ ગામ પાસેની સોસાયટીમાં રહેતા સાયબર પીડિત પોર ખાતે આવેલી ખાનગી કંપનીમાં વાઇસ પ્રેસીડેન્ટ છે. ફેબ્રુઆરી- 24 માં તેઓ ઘરે હાજર હતા. ત્યારે તેમના મોબાઈલ નંબરના વોટ્સએપ ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો. અને જેમાં શેર માર્કેટ લગતી ટિપ્સ આપવામા આવતી હતી. આ નંબર પરથી સતત બે મહીના સુધી તેઓના ક્લાઈન્ટને થયેલા પ્રોફીટના ફોટા મોકલવામાં આવ્યા હતા. અને જણાવ્યું કે. તમે આ વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ જાઓ, તમને ક્રીપ્ટોમા ઓછું રોકાણ કરી સારો નફો મળે તેવી ટીપ્સ આપવામાં આવશે.
ગ્રુપમા ક્રિપ્ટોમા ટ્રેડીંગ કરવા માટેનો મેસેજ કર્યો
જેથી આધેડે મંજુરી આપતા તેઓને ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં અલગ અલગ લોકો તેમને થયેલા પ્રોફીટના સ્ક્રિનશોર્ટ મુકતા હતા. અને તેમા આશરે 14 દિવસ સુધી તેઓના મેસેજ અને પ્રોફીટના સ્ક્રીનશોટ જોતા તેઓ લાલચમાં આવી ગયા હતા. અને ગ્રુપમા ક્રિપ્ટોમા ટ્રેડીંગ કરવા માટેનો મેસેજ કર્યો હતો. ત્યારબાદ તેઓના વોટસએપ ઉપરથી તેઓને એક લિંક મોકલવામા આવી હતી અને રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગીન અને પાસવર્ડ પણ આપવામા આવ્યા હતા. તેમના પ્લેટફોર્મ ઉપરથી ટ્રેડિંગ કરીને સારો પ્રોફીટ કરી શકો છો અને જેમ જેમ ટ્રેડીંગ કરતા જશો તેમ તેમ તમને પ્રોફીટ વધતો રહેશે તેમ સમજાવી લાલચ આપી હતી.
બેંક ખાતામાંથી રૂ.9.81 લાખ ઉપાડી આપ્યા
જેથી આધેડ તેમના ઝાંસામાં ફસાઈ ગયા હતા અને મેનેજરના જણાવ્યા મુજબ આપેલા બેન્ક એકાઉન્ટમાં ટ્રેડિંગ કરવા રૂ.28.71 લાખ ટ્રાન્સફર કર્યા હતા. શરૂઆતમાં તેમનો વિશ્વાસમાં કેળવવા માટે બેંક ખાતામાંથી રૂ.9.81 લાખ ઉપાડી આપ્યા હતા. જ્યારે બાકી રૂ.18.90 લાખ પરત અત્યાર સુધી તેમને પરત નહીં આપીને તેમની સાથે છેતરપીંડી આચરવામાં આવી હતી. આખરે છેતરાયા હોવાનું અનુભવાતા પીડિતે મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબરના આધારે પાંચ સામે ફરિયાદ દાખલ કરાવી છે. જે બાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- VADODARA : ગોલ્ડ લોનના નામે મોટી ગફલેબાજી, લાખોનો ચુનો ચોપડ્યો