VADODARA : સંતાનના નકલી બર્થ સર્ટિફિકેટ સાથે મહિલા ઝડપાઇ, પોલીસ તપાસ શરૂ
- વડોદરામાં નકલી ઓળખ પુરાવા ઉભા કરવાનો સિલસિલો યથાવત
- આજે સવારે વોર્ડ નં - 4 ની કચેરીએ પહોંચેલી મહિલા પાસેથી નકલી બર્થ સર્ટિફિકેટ મળ્યું
- નકલખોરોને ડામવામાં તંત્રને જોઇએ તેવી સફળતા મળી નથી
VADODARA : વડોદરા (VADODARA) ના વહીવટી વોર્ડ નં - 4 ની કચેરીએ મહિલા પોતાના સંતાનનું આધાર કાર્ડ (AADHAR CARD) કઢાવવા આજે સવારે પહોંચી હતી. મહિલાએ રજુ કરેલું બર્થ સર્ટિફિકેટ (BOGUS BIRTH CERTIFICATE) બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું છે. ઘટનાને પગલે પાલિકા સત્તાધીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા છે. અને મહિલાની અટકાયત કરીને આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આ મામલે મહિલા અને તેનું સંતાન ડરી ગયા હોવાથી તેઓ મીડિયા સમક્ષ કોઇ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા
વડોદરામાં બોગસ ઓળખ પત્રો મળી આવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આજે સવારે વડોદરાના પૂર્વ ઝોનમાં આવેલી વહીવટી વોર્ડ નં - 4 ની કચેરીએ એક મહિલા તેના સંતાનનું આધાર કાર્ડ કઢાવવા પહોંચી હતી. દરમિયાન તેણે રજુ કરેલું બર્થ સર્ટિફિકેટ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું હતું. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. અને મહિલાની અટકાયત કરીને તેની વધુ પુછપરછ હાથ ધરવાની દિશામાં તપાસ લંબાવી હતી. મહિલા પાસેથી એક લાલ કલરનું અને એક ભૂરા કલરનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું. તે પૈકીનું એક બનાવટી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
કોઇ એજન્ટ પાસેથી રૂ. 500 આપીને મેળવ્યું
પ્રાથમિક સુત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર, મારવાડી સંજુ મણીલાલ અને તેજલ બેનની દિકરી મેઘનાનું આધાર કાર્ડ કઢાવવાનું હતું. મહિલા પોતાની બે સર્ટિફિટેક લઇને આવ્યા હતા. તે પૈકી એક સર્ટિફિકેટમાં તુલસી પેલેસ, અમરોલી, સુરતનું સરનામું હતું. મહિલાએ બીજુ સર્ટિફિકેટ રજુ કર્યું હતું, તે તેણીએ કોઇ એજન્ટ પાસેથી રૂ. 500 આપીને મેળવ્યું હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે વારસિયા પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક વખત શહેરમાં બનાવટી ઓળખના પુરાવા ઉભા કરાયાનું હોવાનું સામે આવ્યું હતું. તે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. છતાં આજદિન સુધી બનાવટી ઓળખ પુરાવા ઉભા કરવાનો સિલસિલો અટકાવવામાં સફળતા મળી નથી.
આ પણ વાંચો --- VADODARA : સ્થાનિકોએ ઘરોમાં પાણી નહીં ભરાવવાની બાંહેધારી માંગતા કોર્પોરેટર સલવાયા