VADODARA : રાત્રીના સમયે MSU માં ઘૂસેલા અજાણ્યા શખ્સે ઉત્પાત મચાવ્યો
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) ની સુરક્ષા સામે વધુ એક વખત સવાલો ઉઠે તેવો કિસ્સો સામે આવ્યો છે. ગત મધરાત્રે યુનિ.ની સાયન્સ ફેકલ્ટી પાસેની દિવાલ પર એક શખ્સ ચઢી ગયો હતો. અને તેણે ઉત્પાત મચાવ્યો હતો. બાદમાં તેને ઉતારવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, શખ્સ જોડે બે કલાક મથામણ કર્યા બાદ તેને ઉતારવામાં સફળતા મળી હતી. બાદમાં શખ્સ અસ્થિર મગજનો જણાતા તેને છોડી મુકવામાં આવ્યો હતો.
યુનિ.માં સિક્યોરીટીની વાતના લીરેલીરા ઉડાડે તેવી ઘટના
વડોદરાના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.માં સુરક્ષા મામલે વર્તવામાં આવતી લાપરવાહી અવાર-નવાર સામે આવતી રહે છે. વિજીલન્સ સિક્યોરીટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાંય સુરક્ષાના નામે મીંડું છે. આ વાતની સાબિતી આપતા અસંખ્ય કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે, છતાંય તેનો કોઇ નક્કર ઉકેલ આવતો નથી. જેથી વધુ એક વખત યુનિ.માં સિક્યોરીટીની વાતના લીરેલીરા ઉડાડે તેવી ઘટના સામે આવી છે.
પરંતુ તે માન્યો ન્હતો
ગત રાત્રે આશરે 2 વાગ્યે યુનિ.ની સાયન્સ ફેકલ્ટીની દિવાલ પર એક અજાણ્યો શખ્સ ચઢેલો મળી આવ્યો હતો. આ શખ્સની હાજરીની જાણ સિક્યોરીટી ગાર્ડસને થતા તેઓ એકત્ર થઇ ગયા હતા. અને તેને નીચે ઉતારવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તે માન્યો ન્હતો. આખરે અજાણ્યા શખ્સને નીચે ઉતારવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમાં નિષ્ફળતા જ મળી હતી. આખરે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
બે કલાકની મથામણ બાદ તેને ઉતારી લેવામાં આવ્યો
બંને ડિપાર્ટમેન્ટની ટીમોને જાણ થતા તુરંત તેઓ આવી પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ શખ્સને ઉતારવા માટે સમજાવ્યો છતાં પણ તે ટસનોમસ થયો ન્હતો. આખરે બે કલાકની મથામણ બાદ તેને ઉતારી લેવામાં આવ્યો હતો. બાદમાં તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. જો કે, શખ્સ પ્રાથમિક રીતે અસ્થિર મગજનો જણાતા તેને છોડી મુકવામાં આવ્યો હતો. સુત્રોએ જણાવ્યું કે, ફાયર બ્રિગેડની ટીમો શખ્સને સમજાવી રહી હતી, દરમિયાન તેણે એક બે વખત પથ્થર મારવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : VMC માં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!