VADODARA : MSU માં બે વિદ્યાર્થી જુથ વચ્ચે જાહેરમાં ઢીશુમ-ઢીશુમ
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં બે વિદ્યાર્થી જુથ વચ્ચે ઢીશુમ ઢીશુમના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ યુનિ. વિજીલન્સ દ્વારા વચ્ચે પડીને બંને જુથને છુટ્ટા પાડવામાં આવ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. છુટ્ટા હાથની મારામારી બાદ પોલીસ ફરિયાદના બદલે બંને જુથ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હોવાનું યુનિ. સુત્રોએ જણાવ્યું છે. યુનિ.ના વીસી શરૂઆતમાં પરિસરમાં મારામારીના કિસ્સાઓ અંગે ગંભીર વલણ અપવાનતા હતા. હવે કાર્યકાળના અંતિમ સમયમાં તેઓ કુણું વલણ અપનાવી રહ્યા હોવાનું યુનિ.વર્તુળોમાં ચર્ચા છે.
અપમાનજક શબ્દો ઉચ્ચારવામાં આવતા મામલો બિચક્યો
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.માં ભાજપા પ્રેરિત એબીવીપી (ABVP) દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એજીએસયુ (AGSU) દ્વારા આવીને ધીંગાણું મચાવવામાં આવ્યું હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. એબીવીપી દ્વારા નવનિર્માણ આંદોલનના 50મી વર્ષગાંઠ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સમાપન MSU ની કોમર્સ ફેકલ્ટીમાં કરવામાં આવ્યું હતું. એબીવીપીના કાર્યકર્તાના આરોપ અનુસાર, એજીએસયુના કાર્યકર્તા દ્વારા અપમાનજક શબ્દો ઉચ્ચારવામાં આવતા મામલો બિચક્યો હતો. અને એક તબક્કે બે જુથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ ગઇ હતી.
મારમારીના વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
તો બીજી તરફ એજીએસયુના કાર્યકર્તાના આરોપ અનુસાર, જુની અદાવતે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા અપશબ્દો બોલીને મારામારી કરવામાં આવી છે. આ છુટ્ટાહાથની મારમારીના વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યા હતા. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ થાય તેવી વકી હતી. જો કે, બંને પક્ષે હાલ સમાધાન કરાવી લેવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે.
વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા
અત્રે નોંધનીય છે કે, યુનિ.ના વીસી વિજય કુમાર શ્રીવાસ્તવના કાર્યકાળના શરૂઆતના તબક્કામાં મારામારીની ઘટનાઓને લઇને કડક હાથે કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ હવે તેમનો કાર્યકાળ પૂર્ણતાના આરે છે, જેથી તેઓ આવા મામલે ઢીલાશ વર્તી રહ્યા છે. તો બીજી તરપ યુનિ.માં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. વિજીલન્સ પાછળ મસમોટો ખર્ચ બાદ પણ યુનિ.માં ધીંગાણાની ઘટનાઓ સામે આવી રહી છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો -- VADODARA : દૂઘ ખરીદવા જેવી બાબતે લોહી વહ્યું, બે સારવાર હેઠળ