VADODARA : નવાની બાંહેધારી આપીને જુના પેવર બ્લોક નાંખતા સ્થાનિકોમાં રોષ
VADODARA : વડોદરા (VADODARA) ના શિયાબાગમાં કોર્પોરેટરની ચાલાકી સામે આવી છે. સ્થાનિકો દ્વારા રજુઆત કરવામાં આવ્યા બાદ કોર્પોરેટર સ્થળ મુલાકાતે આવ્યા હતા. અને પેવર બ્લોકની ખસ્તા હાલત જોઇને નવા પેવર બ્લોક નાંખવાની બાંહેધારી આપી હતી. જો કે, સ્થાનિક મહિલાના આરોપ પ્રમાણે, આજે જુના જ પેવર બ્લોક નાંખવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિકોએ કામગીરી અટકાવી હતી. અને બાંહેધારી મુજબ નવા જ પેવર બ્લોક નાંખવાની માંગ દહોરાવી હતી. અને જો તેમને આપેલી બાંહેધારી મુજબ કામ નહીં થાય તો મોરચો પાલિકા કમિશનર સુધી લઇ જવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
નવા પેવર બ્લોક નાંખવા બાંહેધારી આપી હતી
વડોદરાના વહીવટી વોર્ડ નં - 13 માં આવતા શિયાબાગ વિસ્તારમાં વર્ષો જુના પેવર બ્લોક તુટી જવાના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરતા તેઓ દોડી આવ્યા હતા. અને મુશ્કેલી દુર કરવા માટે નવા પેવર બ્લોક નાંખવા બાંહેધારી આપી હતી. જો કે, આજે સવારે કામ કરવા પહોંચેલા પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા જુના જ પેવર બ્લોક નાંખી દેવામાં આવતા તમામ રોષે ભરાયા હતા અને કામગીરીનો વિરોધ કર્યો હતો.
આ પથરા તો અમે નહીં ચલાવી લઇએ
સ્થાનિક મહિલા પૂર્ણિમા પટેલએ સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકા સામે આરોપ મુકતા જણાવ્યુ્ કે, આ શિયાબાગનો વિસ્તાર છે. અમે અગાઉ અહિંયા નવા પેવર બ્લોક નાંખવા માટે કોર્પોરેટરને કહ્યું હતું. એટલા બધા ખાડા પડી ગયા છે, ગેસલાઇન વાળાએ ખોદ્યું હોવાથી ઉબડ-ખાબડ છે. અમારે ત્યાં 16 વર્ષ જૂના પેવર બ્લોક છે, તે બધા હલી ગયા છે. અમારે ચાલવાની મુશ્કેલી પડી રહી છે. અમે કોર્પોરેટર જાગૃતિબેન કાકાને જાણ કરતા, તેઓ આવ્યા હતા. અને સ્થિતી જોઇ હતી. અને કામ થઇ જશે તેવી બાંહેધારી આપી હતી. કામ હાથમાં લીધા બાદ આજે સવારે જુના જ પેવર બ્લોક ફરી નાંખવા આવ્યા હતા. જેનો અમે વિરોધ કર્યો હતો. આ પથરા તો અમે નહીં ચલાવી લઇએ. પેવર બ્લોકનું કામ અમે રોકાવી દીધું હતું. હજી પણ આનો નિકાલ નહીં આવે તો અમે મોરચો કાઢીશું તે નક્કી છે.
આ પણ વાંચો -- VADODARA : તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે