VADODARA : માલિકે અંતિમ શ્વાસ સુધી પાલતુ શ્વાનની 'વફાદારી' નિભાવી
VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા પંચવટી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મીની કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. તેઓ પોતાના પાળતુ શ્વાનને લઇને સવારે ચાલવા નિકળ્યા હતા. દરમિયાન શ્વાન કેનાલમાં ગયું અને અંદર ગરકાવ થવાની પરિસ્થિતીમાં હતું. દરમિયાન માલિક તેને બચાવવા માટે અંદર ઉતર્યા હતા. જેમાં તેઓનું મોત નિપજ્યું છે. ઘટનામાં શ્વાન સતત એક જ દિશામાં ભસતા રહેતા લોકોનું ધ્યાન ગયું હતું.
માલિક બિજુ કેનાલમાં ઉતર્યા અને તેને બચાવી લીધો
સામાન્ય રીતે પાળતુ શ્વાને માલિકની વફાદારી અંતિમ શ્વાસ સુધી નિભાવી હોય તેવા કિસ્સાઓ સપાટી પર આવતા રહે છે. પરંતુ આજે માલિકે અંતિમ શ્વાસ સુધી શ્વાનની વફાદારી નિભાવી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સમગ્ર મામલે પ્રાથમિક વિગતો અનુસાર, ગોરવા પંચવટીમાં આવેલા દર્શનમાં બિજુ રધુનાથ પિલ્લાઇ (ઉં. 51) રહેતા હતા. તેમનો હસ્કી પ્રજાતીનો પાલતુ શ્વાન હતો. તેઓ સવારે તેને ચાલવા માટે લઇને નિકળતા હતા. આજે સવારે પણ તેઓ ચાલવા નિકળ્યા હતાં. દરમિયાન શ્વાન અચાનક કેનાલમાં જતું રહ્યું હતું. જેથી તેને બચાવવા માટે માલિક બિજુ તુરંત કેનાલમાં ઉતર્યા હતા. અને તેને બચાવી લીધો હતો.
શ્વાન એક દિશામાં સતત ભસતું રહેતા લોકોનું ધ્યાન ગયું
પરંતુ તે બાદ તેઓ પોતાની બચાવી શક્યા ન્હતા. અને કેનાલમાં પાણીના પ્રવાહમાં ખેંચાઇ ગયા હતા. ઘટના અંગે શ્વાન એક દિશામાં સતત ભસતું રહેતા લોકોનું ધ્યાન ગયું હતું. ઘટના અંગે અંદાજો આવતા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તે બાદ તુરંત ફાયરના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃતદેહને શોધી કાઢીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને વધુ કાર્યવાહી માટે પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો --- VADODARA : VMC ના સ્થાયી સમિતિના સભ્ય દ્વારા ચેરમેનની 'ગજબ બેઇજ્જતી'