VADODARA : આચાર્યએ રોપેલા આંબા આજે શાળા માટે મહત્વનો આધાર બન્યા
- શાળાને આત્મનિર્ભર બનાવતું ૬૦૦ કરતા વધુ આંબાઓનું એક આંબાવાડીયું ઊભું કર્યું છે
- જાપાનીઝ પદ્ધતિથી તૈયાર થતું ૩૦૦૦ કરતા વધુ વૃક્ષોનું મિયાવાકી જંગલ ઊભું કરાવ્યું છે
- આશરે ૫૦ કરતા વધુ જાતની ઔષધીય વનસ્પતિઓ ધરાવતો વન ઔષધિ બગીચા ઊભો કરાવ્યો છે
- આ વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી બાળકો સાથે ૧૫૮ વૃક્ષો રોપીને કરી છે
VADODARA : “વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ...." કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિઓનો સાર ભાવિ યુવા પેઢીમાં ઊતરે એવા ઉદ્દેશ્ય સાથે વડોદરા (VADODARA) જિલ્લાના પાદરા (PADRA) તાલુકાની જલાલપુરા પ્રાથમિક શાળાના આચાર્યએ શાળાના ભૂલકાંઓને અનેકવિધ પ્રવૃતિઓ થકી પર્યાવરણ સંરક્ષણના પાઠ ભણાવ્યા છે.
શિક્ષણ સહિત પ્રકૃતિ પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનું સિંચન કર્યું
શિક્ષકનું કામ છે શિક્ષણ આપવા સહિત દેશના શ્રેષ્ઠ અને જાગૃત નાગરિકોને તૈયાર કરવાનું. વડોદરાના પાદરા તાલુકાના જલાલપુરા ગામની ગ્રામ સ્વરાજ ઉત્તરબુનિયાદી શાળાના આચાર્યશ્રી રમણભાઈ લીંબચીયાએ તે વાતને દેશના એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ સમજીને શાળાના ભૂલકાઓમાં શિક્ષણ સહિત પ્રકૃતિ પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનું સિંચન કર્યું છે.
આવકમાંથી શૌચાલય અને બાથરૂમની સુવિધા ઉભી કરવાના છે
ઉત્તર બુનિયાદી શાળા હોવાથી રમણભાઈ લીંબચીયાએ શાળાના બાળકોને ખેતી વિષયક જ્ઞાનતો આપ્યું જ છે. પરંતુ ખેતી વિષયના પ્રેક્ટિકલ અનુભવ આપવા સાથે શાળાને આત્મનિર્ભર બનાવવા માટે ૬૦૦ કરતા વધુ આંબાઓનું એક આંબાવાડીયું જ ઊભું કરી દીધું છે. આંબાવડીયામાં ઉગતી કેરીઓ વેચતા આ વર્ષે કેરીની ઋતુમાં મળતી આવકમાંથી તેઓ છાત્રાલયના બાળકો માટે શૌચાલય અને બાથરૂમની સુવિધા ઉભી કરવાના છે.
તેનો શ્રેય પણ રમણભાઈને જ જાય છે
રાજ્યભરમાં આવેલી ઉત્તર બુનિયાદી શાળાઓમાંથી જલાલપુરા પ્રાથમિક શાળા એક માત્ર શાળા છે જેને જાપાનીઝ પદ્ધતિથી તૈયાર થતું ૩૦૦૦ કરતા વધુ વૃક્ષોનું કૃત્રિમ મિયાવાકી જંગલ ઊભું કર્યું છે. તેનો શ્રેય પણ રમણભાઈને જ જાય છે. તેનો લાભ સ્થાનિક પ્રજાને ઓક્સિજનનો તો છે જ પરંતુ આ મિયાવાકી જંગલ પશુપક્ષીઓ, સરિસૃપો અને વન્ય જીવ સૃષ્ટિ માટે સલામત વાતાવરણ પૂરું પાડી રહ્યું છે.
ઔષધિના નામ અને ઉપયોગિતા વિશે સમજ આપવામાં આવી
એવી જ તેમની એક પહેલ છે વન ઔષધિ બગીચો. આ બગીચામાં આશરે ૫૦ કરતા વધુ જાતની ઔષધીય વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે. શાળાના વિદ્યાર્થીઓને સહ શૈક્ષણિક પ્રવૃતિના ભાગરૂપે તમામ ઔષધિના નામ અને ઉપયોગિતા વિશે સમજ આપવામાં આવી રહી છે.
૫૮માં જન્મદિવસની ઉજવણી ૧૫૮ વૃક્ષો રોપીને કરવામાં આવી
આટલું જ નહીં, દર વર્ષે આચાર્યશ્રી રમણભાઈ લીંબચીયા પોતાના જન્મદિવસે શાળાના બાળકો સાથે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કરીને ઉજવે છે. જે અંતર્ગત ગત વર્ષે ૫૮માં જન્મદિવસની ઉજવણી ૧૫૮ વૃક્ષો રોપીને કરવામાં આવી હતી. આ સાથે પર્યાવરણ દિવસ હોય, વિદ્યાર્થીઓ કે શાળાના સ્ટાફમાં કોઈપણ વ્યક્તિનો જન્મદિવસ હોય ઉજવણી વૃક્ષારોપણ કરીને જ કરવામાં આવે છે.
બાળકોના જીવનમાં પર્યાવરણ જતનની સુગંધ પ્રસરી
વધુમાં રમણભાઈ લીંબચીયા જણાવે છે કે પ્રકૃતિની વચ્ચે જ રહીને બાળકોને તેનું સંરક્ષણ શીખવવું અને જીવ સૃષ્ટિના તમામ ઘટકો તથા માનવીનું સહ અસ્તિત્વ ભવિષ્યની તાતી જરૂરિયાત છે. શાળાના સતત પ્રયત્નો થકી બાળકોના જીવનમાં પર્યાવરણ જતનની સુગંધ પ્રસરી છે. આજે આ શાળાના બાળકો સ્વૈચ્છિક રીતે તેમના ઘરની આસપાસ વૃક્ષો વાવી જતન કરી રહ્યા છે તે વાતનો અનેરો આનંદ છે.
પ્રેરણાદાયી ઉદાહરણ બનવા માટે તેઓ અભિનંદનને પાત્ર
રમણભાઈએ શિક્ષક કે આચાર્ય તરીકે માત્ર શિક્ષણ આપવા અને શાળા વહીવટી કાર્યની ફરજ સાથે પર્યાવરણ સંરક્ષણના શિક્ષણને દેશના નાગરિક તરીકે પોતાની નૈતિક ફરજ સમજીને એક પ્રેરણાદાયી ઉદાહરણ બનવા માટે તેઓ અભિનંદનને પાત્ર છે.
આ પણ વાંચો ---- Gujarat Weather News : ગુજરાતમાં વરસાદ મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી