VADODARA : અતિવ્યસ્ત પંડ્યા બ્રિજ રોડ પર RMC મટીરીયલ વેરાતા લોકો પરેશાન
VADODARA : વડોદરા (VADODARA) ના અતિવ્યસ્ત વિસ્તારોમાં પંડ્યા બ્રિજનો (PANDYA BRIDGE - VADODARA) સમાવેશ થાય છે. રોજ મોટી સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થાય છે. ત્યારે આજે બપોરના સમયે કોઇ કન્સ્ટ્રક્શન સાઇટ પર જતા-આવતા ટ્રકમાંથી રેડી મીક્સ મટીરીયલ રોડ પર વેરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અને ટ્રક ચાલકની બેદરકારી સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ અગાઉ શહેરના અટલાદરા-કલાલી રોડ પર આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં હજી સુધી કસુરવારો સુધી પહોંચવામાં તંત્રને સફળતા મળી નથી.
અન્ય વાહન ચાલકો માટે તે મુશ્કેલનું કારણ બન્યું
આજે બપોરે શહેરના અતિવ્યસ્ત રહેતા પંડ્યા બ્રિજ પોલીટેક્નિક રોડ પર અજાણ્યા વાહનમાંથી રેડી મિક્સ મટીરીયર વેરાયું હતું. જેને પગલે વાહન ચાલકોએ સાચવીને જવું પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. કેટલાક વાહનો આ મટીરીયલના ઉપરથી પસાર થઇ જતા તે આસપાસમાં ફેલાયું હતું. જેના કારણે અન્ય વાહન ચાલકો માટે તે મુશ્કેલનું કારણ બન્યું હતું. આ ઘટનાને પગલે પસાર થતા વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. લોકોનું કહેવું છે કે, આ પ્રકારની બેદરકારી દાખવનારને શોધીને તેની સામે દંડનીય કાર્યવાહી કરવી જોઇએ. જેથી આ પ્રકારનું કૃત્ય ફરી વખત કરતા પહેલા લોકો વિચારે.
તંત્ર હજી સુધી કસુરવારોને શોધી શક્યું નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે 15 દિવસ પહેલા શહેરના અટલાદરા-કલાલી વિસ્તારમાં આ જ પ્રકારે રસ્તા પર રેડી મિક્સ મટીરીયલ વેરાયું હતું. આ કિસ્સામાં સ્થાનિકોઓ બેજવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી. પરંતું તંત્ર હજી સુધી કસુરવારોને શોધી શક્યું નથી. ત્યારે વધુ એક વખત આ પ્રકારની લોકોને પરેશાન કરતી ઘટના સામે આવી છે. ત્યારે તંત્ર હજી પણ ઉંઘતું રહેશે, કે પછી દંડનીય કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલમાં 75 CCTV બંધ, સુરક્ષામાં માત્ર 115 ગાર્ડ તૈનાત