VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં 17 દેશના વિદ્યાર્થીઓ અભિવાદનમાં જોડાશે
- વડાપ્રધાનનો રોડ શો ભવ્ય બનાવવાનો પ્રયાસ જારી
- રોડ શો માં આવકારવા 17 દેશોના વિદ્યાર્થીઓ સહિતના હજારો લોકો હાજર રહેશે
- ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે
VADODARA : ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA MODI) પ્રથમ વખત વડોદરા (VADODARA) પધારી રહ્યા છે, ત્યારે શહેરવાસીઓમાં તેમના સ્વાગત અભિવાદન અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૭ જુદા જુદા દેશોના વિદ્યાર્થીઓ સહિત સમાજના વિવિધ વર્ગોના લોકો ઉમળકાભેર જોડાઈને સ્વાગત અભિવાદન કરશે. આ સાથે જ રોડ શો ના રૂટમાં આવતા સર્કલને ઓપરેશન સિંદૂરના પોસ્ટરો અને થીમથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.
દેશની વિવિધતામાં એકતાના દર્શન કરાવશે
વડોદરા એરપોર્ટથી એરફોર્સ સ્ટેશન સુધીના આ રોડ શો દરમિયાન ૧૫ જેટલા ખાસ મંચો પરથી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવામાં આવશે. આ મંચો પરથી પૂર્વ સૈનિકો, શહીદ પરિવારો, વોહરા સમાજ, શીખ સમુદાય સહિત શહેર અને જિલ્લાના મોટી સંખ્યામાં લોકો ઉમંગભેર જોડાશે. શાળાના વિદ્યાર્થીઓ અને સાંસ્કૃતિક ટીમો દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે, જે દેશની વિવિધતામાં એકતાના દર્શન કરાવશે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વડાપ્રધાનને આવકારશે
આ રોડ શોનું એક વિશિષ્ટ આકર્ષણ એ છે કે ભૂટાન, બોટસ્વાન, બુરુન્ડી, કેમરૂન, એસ્વાતીની, કોટ ડી આઇવર, ઇથોપિયા, ગેમ્બિયા, ઘાના, ઇન્ડોનેશિયા, કેન્યા, લસોથો, મોરેશિયસ, મોઝામ્બિક, નેપાળ, શ્રીલંકા અને સીએરા લિઓન જેવા ૧૭ દેશોના વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ‘ઓપરેશન સિંદૂર' ના નિર્ણયને વધાવશે અને વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવશે.
એક અવિસ્મરણીય પ્રસંગ બનશે
સમગ્ર વડોદરા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું હૃદયપૂર્વક સ્વાગત કરવા અને "ઓપરેશન સિંદૂર" માં ભવ્ય જીત બદલ આભાર વ્યક્ત કરવા માટે ઉત્સુક છે. આ રોડ શો વડોદરાના એકતા, સાંસ્કૃતિક વૈભવ અને દેશભક્તિની ભાવનાને પ્રતિબિંબિત કરતો એક અવિસ્મરણીય પ્રસંગ બનશે, તે ચોક્કસ વાત છે. આ સાથે જ વડોદરાના સર્કલને ઓપરેશન સિંદૂરના પોસ્ટરો અને થીમથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનનો રોડ શો ભવ્ય અને યાદગાર બને તે માટે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ દિવસ રાત એક કરી રહ્યા છે.
આ પણ વાંચો --- Rashifal 25 May 2025: 25 મેનો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ