VADODARA : કારની ટક્કરે એકનું મોત, હીટ એન્ડ રનનો આરોપી ઝબ્બે
VADODARA : વડોદરાના સમા-સાવલી રોડ વિસ્તારમાં ગતરાત્રે હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. (SAMA - SAVLI ROAD HIT AND RUN CASE - VADODARA) આ ઘટનામાં બે બાઇક ચાલક કારની અડફેટે આવ્યા હતા. તે પૈકી એક બાઇક ચાલકે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે અન્ય બાઇક ચાલક હાલ સારવાર હેઠળ છે. ઘટના બાદ આરોપી સ્થળ પર જ કાર છોડીને નાસી છુટ્યો હતો. જેને પોલીસે ગણતરીના સમયમાં જ દબોચી લીધો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અને હાલમાં તે લોન રિકવરીનું કામ કરે છે. (POLICE CAUGHT HIT AND RUN CASE ACCUSED - VADODARA)
આરોપી થાર ગાડી રસ્તા પર જ મુકીને ભાગી ગયો
DCP પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું કે, સમા-સાવલી રોડ પર લીલેરીયા બેન્કવેટ આવેલું છે. જેની સામે થાર ગાડીના ચાલકે દિપો ઉર્ફે દિપક સોમાભાઇ મકવાણા (ઉં .34) (હાલ રહે. સમા, વડોદરા - મૂળ રહે - ધર્મજ, આણંદ) એ ત્યાં બે બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેમાં એક બાઇક ચાલક મુકેશ પારસીભાઇ પરમાર ને માથામાં ઇજા થઇ છે. મુકેશ કલાભાઇ ડામોરનું મૃત્યું થયું છે. આરોપીએ હીટ એન્ડ રન કરીને ભાગી ગયો હતો. જે અનુસંધાને અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવી હતી. ઘટના બાદ આરોપી થાર ગાડી રસ્તા પર જ મુકીને ભાગી ગયો હતો. આરોપી ભાગીને દેણા ચોકડી પાસેની હોટલમાં જતો રહ્યો હતો. પોલીસે તેને ત્યાંથી પકડી પાડ્યો છે. આરોપી ધો. 10 સુધી ભણેલો છે. તે ખાનગી બેંકોના લોનના હપ્તા રીકવરી કરવાનું કામ કરે છે. કારના મૂળ માલિક આરોપીનો મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઇ પાલ છે. તે દુમાડ ચોકડી પાસે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.
લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી
વધુમાં જણાવ્યું કે, આરોપી 27, ફેબ્રુઆરીના અમદાવાદથી પરત આવ્યો હતો. બાદમાં તે રાત્રી બજાર ગયો હતો, અને ત્યાંથી તે સમા-સાવલી રોડ પર હતો, ત્યાંથી ઘરે જતી વેળાએ આ ઘટના ઘટી હતી. આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સિટી પોલીસ મથકમાં ખુનના ગુનામાં તેની અટકાયત કરવામાં આવી છે, તેમજ ફતેગંજ પોલીસ મથકમાં મારામારીના ગુનામાં તેમજ પ્રોહીબીશનના ગુનામાં તેની અટકાયત કરવામાં આવી છે. હમણાં જ 6 મહિના પહેલા સમા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં તેની અટકાયત કરવામાં આવી હતી. આરોપીનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર છે. કારની એફએસએલ તપાસ કરવામાં આવી છે.
ડિસેમ્બરમાં જ પોતાનો અભિપ્રાય આપી દીધો
આખરમાં ઉમેર્યું કે, ઘટના સ્થળ પર બમ્પર મુકવા માટે પોલીસે ડિસેમ્બરમાં જ પોતાનો અભિપ્રાય આપી દીધેલો છે. ટુંક સમયમાં પાલિકા તેની કાર્યવાહી કરશે. મૃતક અને ઇજાગ્રસ્ત બંને કન્સ્ટ્રક્શન સાઇટ પર જેસીબીનું કામ કરતા હતા.
આ પણ વાંચો --- VADODARA : પંડ્યા બ્રિજના મસમોટા પોપડા ખર્યા, વાહનચાલકોના માથે જોખમ