VADODARA : PCR વાન હાઇટેક બની, સોલાર સંચાલિત CCTVથી સજ્જ
VADODARA : વડોદરામાં પોલીસની પીસીઆર વાન હાઇટેક બની છે. પીસીઆર વાનમાં આગળ - પાછળ બંને તરફ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરા કોઇ પણ સંજોગોમાં ચાર્જ રહી શકે, અને કામ કરી શકે તે માટે તેને સોલાર પેનલથી સજ્જ કરવામાં આવ્યા છે. વડોદરા પોલીસ દ્વારા આ પ્રયોગ પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે. આ ખાસ વાહનની તૈનાતી વીવીઆઇપી વિઝીટ્સ, તહેવારો અને શોભાયાત્રા સમયે કરવામાં આવનાર હોવાનું પોલીસ કમિશનરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું છે. (POLICE PCR VAN EQUIPPED WITH SOLAR POWERED CCTV CAMERA FOR BETTER SURVEILLANCE - VADODARA)
લાઇવ ફીડ જોઇ શકાશે
વડોદરા પોલીસ ગુના ઉકેલવા માટે અને અસરકારક સર્વેલન્સ માટે હાઇટેક બની છે. તાજેતરમાં પોલીસની પીસીઆર વાનમાં આગળ અને પાછળના ભાગે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. આ કેમેરાનું કનેક્શન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં આપવાથી ત્યાં લાઇવ ફીડ જોઇ શકાશે. જ્યાં જ્યાં આ વાહન મુકવામાં આવશે, ત્યાંની પરિસ્થિતીનો સમગ્ર ચિતાર આ સીસીટીવીની મદદથી મેળવી શકાશે, તેવો આશાવાદ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા મીડિયા સમક્ષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કોઇ પણ રુતુમાં તે અસરકારક કામગીરી કરી શકે
શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે મીડિયાને જણાવ્યું કે, શહેરમાં જ્યારે વીવીઆઇપી વિઝીટ્સ, તહેવારો, અને ઝુલુસનો બંદોબસ્ત કરવામાં આવે છે. તેમાં સમગ્ર શહેરના સીસીટીવી નેટવર્કનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી મોનીટરીંગ કરાય છે. આ વખતે આપણે એક નવતર પ્રયોગ કરી રહ્યા છે. જેમાં પોલીસ વાહનની આગળ અને પાછળ જોઇ શકાય તેવા સીસીટીવીથી સજ્જ કરીને તેને તૈનાત કરવાના છીએ. આ સીસીટીવી કેમેરા એચડી કેમેરા છે, અને કોઇ પણ રુતુમાં તે અસરકારક કામગીરી કરી શકે છે. પોલીસ વાહનની આગળ-પાછળ ચાલતી તમામ પ્રવૃત્તિઓ પર બંને કેમેરા નજર રાખી શકશે. આ કેમેરા સીમકાર્ડથી કનેક્ટેડ છે. અને તે લાઇવ ફીડ આપી શકે છે.
મહત્વની ઘટના ટાણે તેને તૈનાત કરવામાં આવશે
વધુમાં જણાવ્યું કે, આના માધ્યમથી પોલીસ જ્યાં પણ બંદોબસ્તમાં હશે, ત્યાં પોલીસને સમગ્ર વિસ્તારની પરિસ્થિતીની જાણકારી તેમાંથી મળશે. આ કેમરા એક સપ્તાહ જેટલા સમયનો ફૂટેજ સ્ટોર કરી શકે છે. કાર ચાલુ હોય કે બંધ કોઇ પણ પરિસ્થિતીમાં કેમેરા ચાલુ રહે તે માટે આપણે તેને સોલાર પાવરથી ચાર્જીંગની વ્યવસ્થા ગોઠવી છે. અને શહેરમાં કોઇ પણ મહત્વની ઘટના ટાણે તેને તૈનાત કરવામાં આવશે. આપણે આ વખતે તેનો પ્રયોગ કરવા જઇ રહ્યા છે. આ એક અસરકારક માધ્યમ ગણીને તેની તૈનાતી કરવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : ફટાકડાના ગેરકાયદે સ્ટોકમાં આગ મામલે પોલીસ ફરિયાદ