VADODARA : ક્વિક કોમર્સ કંપનીનું ગોડાઉન સીલ, લોકોએ વિરોધ કરતા કાર્યવાહી
VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં આવેલી માધવ રેસીડેન્સીમાં રહેણાંક પ્લોટમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ પાલિકામાં કરવામાં આવી હતી. છતાં તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં ઢીલાશ વર્તવામાં આવતા આખરે મહિલાઓએ મધરાત્રે એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલો મીડિયામાં ઉજાગર થતા જ આખરે પાલિકા (VADODARA - VMC) દ્વારા શેડને સીલ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે સ્થાનિકોને હાલ પુરતી રાહત થઇ છે.
રાત્રે એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો
વડોદરાના ન્યુ સમા વિસ્તારમાં આવેલી માધવ રેસીડેન્સીમાં પ્લોટમાં શેડ બનાવીને તેમાંથી ક્વિક કોમર્સ પ્લેટફોર્મનું ગોડાઉન ધમધમતું હતું. દિવસ રાત ચાલુ રહેતા ગોડાઉનમાંથી માલસામાન લેવા માટે આવતા, અથવા તો ઓર્ડરની રાહ જોઇને બેસતા રાઇડર્સથી સ્થાનિકો પરેશાન થઇ ગયા હતા. મોડી રાત્રે બાઇક સ્પીડમાં લઇ જતા સ્થાનિકોની નિંદરમાં ખલેલ પહોંચે તેવી પરિસ્થિતીનું નિર્માણ થતું હતું. આખરે સ્થાનિક મહિલાઓના સબરનો બંધ તુટતા તેમણે તાજેતરમાં રાત્રે એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિક મહિલાઓને હાલ પૂરતી રાહત
આટલું જ નહીં કેટલાક રોમીયો જેવા રાઇડર્સ દ્વારા મહિલાઓ પર અણછાજતી કોમેન્ટ્સ પણ કરવામાં આવી હતી. જેને પગલે મહિલાઓમાં ભારે રોષ હતો. આખરે રોષ મીડિયા સમક્ષ વ્યક્ત કરવામાં આવતા મામલો ઉજાગર થયો હતો. અને વાત વહેતા કોર્પોરેટર મહાવીર રાજપુરોહિત સુધી પહોંચી હતી. આખરે પાલિકાએ આ મામલે સંજ્ઞાન લેતા જગ્યાને સીલ કરી દીધી છે. જેને કારણે સ્થાનિક મહિલાઓને હાલ પૂરતી રાહત થઇ હોવાનું મનાઇ રહ્યું છે.
કોઇને ખલેલ ના પહોંચે તેવી વ્યવસ્થા લાગુ કરવી જોઇએ
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્વિક કોમર્સ કંપની ગ્રાહકોની ડિમાન્ડ પર જરૂરી વસ્તુઓ ઘર સુધી પહોંચાડે છે. જેની સામે તેઓ તગડું કમિશનન લઇ લે છે. ત્યારે આવી કંપનીઓના રાઇડર્સ દિવસ રાત કમાવવા માટે તેના ગોડાઉનની બહાર મોટી સંખ્યામાં હાજર રહે છે. પ્રત્યેક ઓર્ડર પર સારીએવી કમાણી કરતી કંપનીઓએ કોઇને ખલેલ ના પહોંચે તેવી વ્યવસ્થા લાગુ કરવી જોઇએ, તેવી લોકમાંગ છે.
આ પણ વાંચો -- VADODARA : MSU ના એક્ટીંગ VC ધનેશ પટેલ સામે હાઇકોર્ટમાં રીટ, છતાં નિમણૂંક