VADODARA : રેલવેમાં ભરતી બાદ મોટા સ્ક્રેપ કૌભાંડની આશંકા, 2 ટ્રક જપ્ત
VADODARA : તાજેતરમાં વડોદરા રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આચરવામાં આવતું ભરતી કૌભાંડ સપાટી પર આવ્યુું હતું. જેમાં CBI ના દરોડામાં પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કોઇ મોટો ખુલાસો થાય તે પહેલા જ રેલવેમાં મોટા સ્ક્રેપ કૌભાંડની આશંકા છતી થઇ છે. વેસ્ટર્ન રેલવે સ્ક્રેપ યાર્ડમાંથી લોખંડના ભંગાર વચ્ચે સ્ટેઇલનેસ સ્ટીલ સગેવગે કરવાની આશંકાએ બે ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જેની તપાસ માટે રેલવે અધિકારીઓ ચુંબક લઇને પહોંચ્યા હતા. (RAILWAY SCRAP SCAM - VADODARA)
ભંગારનો સામાન અટકાવી દેવામાં આવ્યો
વડોદરા રેલવેમાં ચાલતા એક પછી એક મોટા કૌભાંડ પરથી પરદા ઉઠી રહ્યા છે. પહેલા ભરતી કૌભાંડ અને હવે સ્ક્રેપ કૌભાંડ સામે આવ્યું છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઇજારદાર અને રેલવેના અધિકારીઓ દ્વારા લોખંડના ભંગારની આડામાં સ્ટેઇલનેસ સ્ટીલ પણ સગેવગે કરવામાં આવી રહ્યો હોવાનું મકરપુરા પોલીસના ધ્યાને આવ્યું હતું. જેથી શંકાના આધારે બે ટ્રક ભરીને લઇ જવાતો ભંગારનો સામાન અટકાવી દેવામાં આવ્યો છે. અને આ અંગેની જાણ રેલવેના અધિકારીઓને કરવામાં આવી છે.
....તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ
જાણ થતા જ તેઓ ચુંબક લઇને ટ્રકમાં તપાસ કરવા માટે પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચુંબકના આધારે લોખંડ અને સ્ટેઇલનેસ સ્ટીલને અલગ તારવવામાં સરળતા રહે છે. સુત્રોએ ઉમેર્યું કે, આ મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી. મકરપુરા પોલીસે આ મામલે સ્ટેશન ડાયરી નોંધ કરીને વધું કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિગવારની માહિતી માંગવામાં આવી છે.
પાંચ રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
તાજેતરમાં સીબીઆઇની ટીમ દ્વારા રેલવે DRM ઓફિસ - પ્રતાપનગર ખાતે દરોડા પાડ્યા હતા. જેમાં ભરતી કૌભાંડ અંતર્ગત સુનિલ બિશ્નોઇ (IRPS), અંકુશ વાસન (IRPS), સંજયકુમાર તિવારી, ડે. ચીફ. કોમર્શિયલ મેનેજર, નિરજ સિંહા, અને દિનેશ કુમારની સંડોવણી મળી આવી હતી. તેઓ વિતેલા 48 કલાકથી સીબીઆઇની કસ્ટડીમાં હોવાથી રેલવે દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સપાટી પર આવવા પામી છે. જો કે, આ મામલે હજીસુધી સત્તાવાર માહિતી મળી શકી નથી.
આ પણ વાંચો --- VADODARA : BJP કોર્પોરેટરે વિપક્ષની દરખાસ્તનું સમર્થન કરતા સન્નાટો


