VADODARA : પાલિકાની જન્મ-મરણ નોંધણીની શાખામાં વહેલી સવારથી જ લાંબી કતારો
VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુરમાં જન્મ, મરણ અને લગ્નની નોંધણી ની શાખા આવેલી છે. અહિંયા મર્યાદિત ટોકન આપતા હોવાથી લોકો વહેલી સવારથી જ લાઇનમાં લાગતા હોય છે. લોકોની મોટી સંખ્યાના કારણે અહિંયા એજન્ટો પણ ઘણા ફૂલ્યા-ફાલ્યા છે. જેના વિરોધમાં આજે અગ્રણીએ આવીને અવાજ ઉઠાવ્યો છે. અને આ કામગીરી વોર્ડ કક્ષાએ કરવા માટે તંત્રનું ધ્યાન દોર્યું છે. હવે લોકો માટે પરેશાની બનેલા પ્રશ્ને આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
લોકોની સુવિધા માટેની વ્યવસ્થા કેમ તૈયાર નથી થતી
વડોદરાના માંજલપુરમાં જન્મ, મરણ અને લગ્નની નોંધણીની પાલિકાની કચેરી આવેલી છે. અહિંયા છેલ્લા કેટલાય સમયથી અરજદારોની લાંબી લાઇનો લાગી રહી છે. પોતાનો નંબર આવશે તેવી આશાએ લોકો પોતાના કામધંધા છોડીને લાઇનોમાં લાગે છે. સ્માર્ટ સિટીનું તંત્ર ગમે ત્યાં કચરો શોધનારને સીસીટીવી મારફતે શોધીને દંડ ફટકારી શકે છે, તો લોકોની સુવિધા માટેની વ્યવસ્થા કેમ તૈયાર નથી થતી, તેવા અનેક સવાલો લોકોના મનમાં ઘેરાઇ રહ્યા છે.
અધિકારીઓ તેમના કામમાં સક્ષમ નથી
અગ્રણી દિપક પાલકરે મીડિયાને જણાવ્યું કે, ડિજીટલ ઇન્ડિયાની વાતો થઇ રહી છે. ત્યારે સિસ્ટમ અને અધિકારીઓ ધીમી ગતિએ કામ કરી રહ્યા છે. અધિકારીઓ લોકોનું કામ પતાવવા માટે બહાર મોકલી રહ્યા છે. અહિંયા એજન્ટો દ્વારા રૂ. 1 હજાર રૂપિયા સુધી વસુલવામાં આવી રહ્યા છે. અલગ અલગ સર્ટિફિકેટ પ્રમાણે ચાર્જ છે. શું અધિકારીઓ તેમના કામમાં સક્ષમ નથી તો એજન્ટો ફૂલ્યા-ફાલ્યા છે. ટોકન લેવા માટે લોકો સવારે કામધંધો છોડીને બેસે છે. પહેલા બદામડી બાગમાં આ સિસ્ટમ હતી. શહેરભરમાંથી લોકો અહિંયા આવે છે, ત્યારે આ કામગીરી વોર્ડ વાઇઝ કેમ કરવામાં નથી આવતી. તેના પર સરકારે વિચારવું જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : વર્ષના અંતિમ દિવસે MSU ની કોન્વોકેશન સેરેમની યોજાશે