VADODARA : નવા વર્ષે પણ RTO માં જુની સમસ્યા યથાવત, કનેક્ટિવિટી ખોરવાતા મુશ્કેલી
VADODARA : નવા વર્ષમાં પણ વડોદરાની આરટીઓ (VADODARA RTO) ઓફીસમાં જુની સમસ્યાઓ યથાવત છે. તાજેતરમાં આરટીઓ કટેરીમાં કનેક્ટિવિટીની મોકાણ સર્જાતા અરજદારો અટવાયા હતા. ટુ વ્હીલર માટેની 150 એપોઇન્ટમેન્ટની સામે માત્ર 40 જ ટેસ્ટ આપી શક્યા હતા. જો કે, બાદમાં કનેક્ટિવિટી શરૂ થતા કામ આગળ વધ્યું હતું. દરમિયાન કેટલાક અરજદારો વિલા મોઢે પરત ફર્યા હતા.
આશા ઠગારી નીવડી
વડોદરાના દરજીપુરા આરટીઓ કચેરીએ ડ્રાઇવીંગ લાયસન્સ માટેના ટેસ્ટ રોજ યોજાય છે. એપોઇન્ટમેન્ટ સિસ્ટમથી અરજદારો પોતાની નોંધણી કરાવે છે. અને તેમને આપવામાં આવેલા નિયત દિવસે અને સમયે તેમણે ટેસ્ટ આપવાનો હોય છે. અગાઉ આરટીઓમાં સર્વર ખોટકાઇ જવાના કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. નવા વર્ષમાં જુની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવી આશા હતી. પરંતુ આશા ઠગારી નીવડી છે.
150 ની એપોઇન્ટમેન્ટ સામે માત્ર 40 ના જ ટેસ્ટ લઇ શકાયા
તાજેતરમાં આરટીઓમાં કાર્યરત જીસ્વાન સર્વર ખોટકાતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. આશરે બે કલાક સુધી સર્વર ખોટકાયેલું રહેતા કેટલાય અરજદારો પરત ફર્યા હતા. તો બીજી તરફ ટુ વ્હીલર માટેની 150 ની એપોઇન્ટમેન્ટ સામે માત્ર 40 ના જ ટેસ્ટ લઇ શકાયા હતા. ત્યાર બાદ નેટનું સર્વર ખોટકાઇ ગયું હતું. જો કે, બે કલાકના અંતે સર્વર ફરી કનેક્ટ થતા કામગીરી પુન શરૂ કરવામાં આવી હતી.
કોલેજમાં રજા પડાવીને તેના લાયસન્સ માટે આવ્યા
સંતાનના લાયસન્સ માટે આવેલા અરજદારનું કહેવું છે કે, પુત્રને કોલેજમાં રજા પડાવીને તેના લાયસન્સ માટે આવ્યા હતા. પરંતુ સર્વર ખોટકાઇ જવાના કારણે કલાકો સુધી વાટ જોવી પડી હતી. આ ઘટનાનું પુનરાવર્તન થતું અટકાવવું જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : કાસમઆલા ગેંગના ગુંડા રિમાન્ડ પર, ખંડણી-મિલકત અંગે તપાસ શરૂ