VADODARA : સાવલી પાસે ગેરકાયદેસર ખનન પર દરોડા, મોટી સંખ્યામાં મુદ્દામાલ સીઝ
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL - SAVLI) માં આવતા સાવલીના ખાંડી જાલમપુરા ગામેથી પસાર મહીસાગર નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન (ILLEGAL SAND MINING - VADODARA RURAL) પર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતા ખનીજ માફિયાઓમાં દોડધામ મચી જવા પામી છે. અગાઉ અનેક વખત કાર્યવાહી કર્યા છતાં ખનીજ ચોરી અટકવાનું નામ નથી લઇ રહી. જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન હવે તંત્ર માટે માથાના દુખાવા સમાન બન્યું છે.
ટ્રેકટર, ડમ્પર, જેસીબી સહિતના સાધનો મોટા પ્રમાણમાં જપ્ત
સાવલી તાલુકામાં પસાર થતી વિવિધ નદીઓમાં બેફામ અને બિન્દાસ પણે રેતી ખનન થઇ રહ્યું છે. અને સરકારને તિજોરીને કરોડોનો ચુનો માફિયાઓ ચોપડી રહ્યા છે. ચોક્કસ માહિતીને પગલે આજે ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા રેતી ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા. સવારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમા હાલ અધિકારીઓ દ્વારા દરોડા ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. દરોડાના અંતે મોટા પ્રમાણમાં રેતી ખનન તથા અન્ય મુદ્દામાલ ઝડપાય તેવી આશંકા સેવાઈ રહી છે. મહી નદીમાં ટ્રેકટર, ડમ્પર, જેસીબી સહિતના સાધનો મોટા પ્રમાણમાં પકડવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
એક્સપ્રેસ-વે માટે ભવિષ્યમાં જોખમ ઉભુ થઇ શકે છે
પંથકમાં ચાલતી પ્રબળ લોકચર્ચા અનુસાર, ખાંડી જાલમપુરા ગામે લીઝ ધારક દ્વારા ગેરકાયદેસર ખોદકામ થાય છે. નાવડીથી રેતી કાઢવા પર પ્રતિબંધ હોવા છતાં નાવડીથી રેતી ઉલેચવામાં આવે છે. આ ખોદકામથી 100 મીટરે વડોદરા અમદાવાદ એકસપ્રેસ-વે નો બ્રિજ આવેલો છે. ખનનથી તેને નુકશાન થાય અને ભવિષ્ય માં મોટો અકસ્માત થાય તેવી શક્યતાઓ હાલ તબક્કે નકારી શકાય તેમ નથી. સાથે જ સામેની બાજુએ વહેરા ખાડી ખેરડા ખાતે મહીસાગર માતાનું મંદિર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. તથા ખાનગી કંપનીનો ફ્રેન્ચ વેલ આવેલ છે. જેને પણ નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો -- VADODARA : ધો-9 ની વિદ્યાર્થીનીએ રીસેસમાં વ્હીસ્કીની બોટલ કાઢી