VADODARA : ઉર્મી સ્કુલમાં ક્રિકેટ રમવા મુદ્દે ધીંગાણૂં, 5 ઘાયલ
VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં આવેલી ઉર્મિ સ્કુલ (URMI SCHOOL STUDENT FIGHT OVER CRICKET - VADODARA) માં ક્રિકેટ રમવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. આ ઘટના શિક્ષકની હાજરીમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ટુંકી સારવાર બાદ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્કુલ મેનેજમેન્ટ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને નબળી સુરક્ષા હોવાનું આ કિસ્સા પરથી પુરવાર થઇ રહ્યું છે. વિદ્યાર્થીઓને કેરીયરને ધ્યાને રાખીને પોલીસ ફરિયાદ અથવા શાળામાંથી સસ્પેન્ડ કરવાનું પગલું ભરવામાં આવ્યું નથી.
મોટી વયના વિદ્યાર્થીઓ દ્વારા તેમને ચીડવવામાં આવ્યા
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી ઉર્મિ સ્કુલ બીઆરજી જુથ દ્વારા સંચાલિત શાળા છે. આ શાળામાં તાજેતરમાં ક્રિકેટ રમવા મુદ્દે મારામારી થઇ હતી. ધો. 11 માં ભણતા વિદ્યાર્થીઓ ક્રિકેટ રમી રહ્યા હતા. તે સમયે બે શિક્ષકો પણ ગ્રાઉન્ડમાં હાજર હતા. દરમિયાન મોટી વયના વિદ્યાર્થીઓ દ્વારા તેમને ચીડવવામાં આવ્યા હતા. જો કે શરુઆતમાં વિદ્યાર્થીઓએ આ વાતને ખાસ ધ્યાન આપ્યું ન્હતું. બાદમાં મોટી વયના વિદ્યાર્થીઓ દ્વારા ધક્કો મારવામાં આવતા મારામારી થઇ હતી. આ ઘટનામાં ટોળું એકત્ર થઇ જવાના કારણે શિક્ષકો દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને એકબીજાને છોડાવ્યા હતા.
પોલીસ ફરિયાદ અથવા શાળામાંથી સસ્પેન્ડ જેવી કાર્યવાહી કરવામાં આવી નથી
ઘટના બાદ મારામારીમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ટુંકી સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ દોડી આવેલા વાલીઓએ મીડિયાને જણાવ્યું કે, શાળા સંચાલકો દ્વારા બાળકોને હોસ્પિટલ લાવવાની જાણકારી આપતા અમે દોડીને આવ્યા છે. શાળામાં આટલી મોટી ઘટના બની જવી ગંભીર બાબત છે. શાળા સંચાલકો દ્વારા કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ. તો બીજી તરફ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીના કેરીયરને ધ્યાને રાખીને પોલીસ ફરિયાદ અથવા શાળામાંથી સસ્પેન્ડ જેવી કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે જ બંને પક્ષે સમાધાન થઇ ગયું હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ડમ્પર ફરી વળતા યુવકનું મોત, શરીર ફાડીને અવશેષો રસ્તા પર વિખેરાયા


