VADODARA : નોકરીએથી પરત આવતા અને જતા યુવાનોની બાઇક સામ-સામે ભટકાઇ, બે ના મોત
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના સાવલી (SAVLI) માં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત
(BIKE ACCIDENT - SAVLI, VADODARA) ની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક નોકરી પર જઇ રહ્યો હતો અને અન્ય યુવક નોકરી પરથી પરત આવી રહ્યો હતો. બાઇક ભટકાતા બે યુવકોના મોત નિપજ્યા છે. એક જ ગામના બે યુવાનોના મૃત્યુ થતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ જવા પામી છે.
યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો
વડોદરા શહેર અને જિલ્લામાં સડક સુરક્ષાને લઇને અનેક પ્રયત્નો છતાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. આજે વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના ઉદલ પુર રોડ પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવવા પામી છે. આજે સવારે ધોરેશ્વર મહાદેવના મંદિર પાસે બે યુવકોની બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બે બાઇક અથડાતા સવાર ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના અંગેની જાણ થતા જ ગ્રામજનો દોડી આવ્યા હતા. જો કે, બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ
ઘટના અંગે સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. મૃતક યુવાનોની ઓળખ કંચનભાઇ સોલંકી (ઉં. 30) અને ચાવડા ભરત અર્જુનસિંહ (ઉં. 28) કરવામાં આવી હતી. બંને યુવાનો અમરાપુરા (કરસિયાપુરા) ગામના છે. એક જ ગામના યુવાનોનું સામસામે બાઇક અકસ્માતમાં મૃત્યું થતા પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. સ્થાનિકોની માંગ છે કે, આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : સિટી બસની મુસાફરી "સલામત" બનાવવી જરૂરી


