VADODARA : સોશિયલ મીડિયામાં હથિયારોનું પ્રદર્શન કરતી બુટલેગર આણી મંડળી
VADODARA : વડોદરાના સાવલીમાં કુખ્યાત બુટલેગર મુન્ના જયસ્વાલનો ખંજર વડે કેક કાપતો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે. બુટલેગરે દારૂની બોટલની થીમ પર તૈયાર કરવામાં આવેલી કેક કાપી હોવાનું વીડિયોમાં જોઇ શકાય છે. આ સાથે તેના મળતિયા મિતેશ નામના યુવક દ્વારા વીડિયો બનાવીને પિસ્તોલ અને ખંજર જેવું હથિયાર હાથમાં રાખીને રીલબાજી કરી હોવાનું પણ સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યું છે. આ બંને કિસ્સાઓમાં બુટલેગર આણી મંડળી પોલીસ પર પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં આવું કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. (BOOTLEGGER CUT CAKE WITH KNIFE VIRAL VIDEO - SAVLI, VADODARA)
દારૂની બોટલની થીમ વાળી કેક મુન્નાએ જાહેરમાં ખંજર વડે કાપી
આજકાલ રીલનું ચલણ વધ્યું છે. સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટે લોકો કાયદો તોડતા પણ ખચકાતા નથી. આવી જ એક ઘટના વડોદરાના સાવલીમાં સામે આવી છે. સાવલીના કુખ્યાત બુટલેગર મુન્ના જયસ્વાલ દ્વારા ખંજર વડે કેક કાપવામાં આવી છે. જાહેરમાં દારૂની બોટલની થીમ વાળી કેક મુન્નાએ જાહેરમાં ખંજર વડે કાપી છે. આ ખોટી હીરોગીરીની રીલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામી છે.
સાવલી પોલીસનું નાક કપાયું હોય તેવી નગરજનોમાં ચર્ચા
આ સાથે તેના મળતિયા મિતેશની પણ એક રીલ વાયરલ થઇ રહી છે. જેમાં તે હથિયારોનું ખુલ્લુ પ્રદર્શન કરી રહ્યો હોય તેમ જાણવા મળી રહ્યું છે. મિતેશના એક હાથમાં ખંજર અને બીજા હાથમાં પિસ્તોલ છે. આ પ્રકારે રીલો વાયરલ થવાના કારણે સાવલી પોલીસનું નાક કપાયું હોય તેવી નગરજનોમાં ચર્ચા છે. હવે આ મામલે સાવલી પોલીસ ક્યારે પગલાં લે છે તે જોવું રહ્યું. એટલું જ નહીં હવે લોકોને બુટલેગર અને તેના મળતિયાના બિફોર અને આફ્ટરના વીડિયો ક્યારે આવશે, તેની તાલાવેલી જાગી છે.
આ પણ વાંચો --- VADODARA : ડભોઇ ST ડેપો બહાર પેસેન્જર બેસાડવા મુદ્દે છુટ્ટા હાથે મારામારી