VADODARA : કડકડતી ઠંડીથી સયાજીબાગ ઝૂના પ્રાણીઓને રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા
VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. ઠંડીનો સામનો કરવા માટે સ્વેટર, મફલર, તાપણાની વ્યવસ્થા માણસો કરી લે છે, તેવા સમયે વડોદરાના જૂના અને જાણીતા ઐતિહાસીક સયાજીબાગ ઝૂમાં (SAYAJI BAUG ZOO - VADODARA) આશરો લેતા પ્રાણી-પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઝૂ તંત્ર તેમની કાળજી રાખવામાં અને તેમને હૂંફ (WARMTH FOR ANIMALS- BIRDS IN COLD WINTER) આપવામાં કોઇ કચાશ રાખી રહ્યું નથી. આ સાથે જ તેમના આહારમાં પણ જરૂરી નાના-મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
જૂના પિંજરામાં તાપણાની વ્યવસ્થા કરી છે
સયાજીબાગ ઝૂના ડાયરેક્ટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું કે, શિયાળામાં તાપમાન ઘટી રહ્યું છે, અને ઠંડી વધી રહી છે. ઝૂમાં પ્રાણી-પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા ભાગના પિંજરામાં સુકા ઘાસની પથારી કરવામાં આવી છે. તે ગરમ હોવાના કારણે તેનો ઉપયોગ કરાય છે. પક્ષીઓના પિંજરામાં સુકા ઘાસની ઝૂંપડી બનાવવામાં આવી છે. જૂના પિંજરામાં જ્યાં વાંદરા છે, ત્યાં તાપણાની વ્યવસ્થા કરી છે. જે આખી રાત ચાલે છે. સરિસૃપો અને પક્ષીઓના બચ્ચા ઇલેક્ટ્રીક બલ્બથી ગરમાટો મેળવી રહ્યા છે. તેની સાથે તેમના ખોરાકમાં સિઝનલ ફળ-ફળાદી સાથે મધનો ઉમેરો કરવામાં આવે છે. રીંછ, વાંદરા તથા અન્ય પશુઓના ખોરાકમાં મધ મેળવી દેવાય છે.
ખાસ પ્રયત્નો સરિસૃપો માટે કરવા પડે છે
વધુમાં તેમણે જણાવ્યું કે, પક્ષીઓનું તાપમાન પ્રાણીઓ કરતા વધારે હોય છે. પક્ષીઓ વધારે ઠંડી સહન કરી શકે છે. ખાસ પ્રયત્નો સરિસૃપો માટે કરવા પડે છે. તેઓનું લોહી ઠંડુ હોય છે. તેઓને દિવસ દરમિયાન સુર્યપ્રકાશની ઉર્જા અને રાત્રીમાં સુકા ઘાસ અને પાંદડામાં જઇને ગરમાટો મેળવી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.
આ પણ વાંચો -- VADODARA : ગેસ પુરવઠો ખોરવાતા ભર શિયાળે મહિલાઓએ ચૂલા ફૂંક્યા