VADODARA : વિદેશી પક્ષીઓના આવાગમન અંગે બાળકો રીસર્ચ પેપર રજૂ કરશે
VADODARA : સંશોધન પત્રો મોટેભાગે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ કે પ્રખર અભ્યાસુઓ લખતા હોય છે.વડોદરા જિલ્લાના નાનકડા ગામ ભાયલી ( હવે વડોદરાનું એક પરું કહી શકાય) ના બાર થી સોળ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓનુ એક જૂથ રિસર્ચ પેપર લખવાની તૈયારી કરી રહ્યું (VADODARA SCHOOL STUDENT TO WRITE RESEARCH PAPER ON MIGRATORY BIRDS OBSERVATION) છે.આ લોકોએ છેલ્લા પાંચ વર્ષથી વડોદરા જિલ્લાના તળાવ કાંઠે શિયાળામાં દેશી - વિદેશી પક્ષીઓના આવાગમનનું નિરીક્ષણ કર્યું છે અને તેની પદ્ધતિસરની નોંધ તૈયાર કરી છે.હવે તેના આધારે તેઓ સંશોધન પત્ર તૈયાર કરી રહ્યા છે.આટલી નાની ઉંમરમાં વિદ્યાર્થી જૂથ દ્વારા રિસર્ચ પેપર લખવાનો કદાચ આ પ્રથમ પ્રયાસ હશે.
વિદેશી કે યાયાવર( હિજરતી) પક્ષીઓની તેમણે પાકી ઓળખાણ કેળવી
ભાયલી ગામની નંદની અને પક્ષી મિત્ર મંડળના વિદ્યાર્થી સાથીઓ પાંચ વર્ષથી ડભોઇ તાલુકાના પક્ષી તીર્થ વઢવાણા ખાતે શિયાળામાં વન વિભાગ દ્વારા યોજવામાં આવતા બર્ડ સેન્સસમાં જોડાય છે.તેમને આ કામમાં જોડવામાં આવે છે કારણ કે ભાયલી ગામના નાનકડા ગામ તળાવમાં આવતા પક્ષીઓનું નિરીક્ષણ કરીને તેઓ વિવિધ પક્ષીઓ,તેમના નામો,તેમનું રહેઠાણ અને આદતો અંગે સારું એવું જાણતા થયાં છે. તેનાથી આગળ વધીને ડભોઇ તાલુકામાં આવેલા પક્ષી તીર્થ વઢવાણાના મહેમાન બનતા વિદેશી કે યાયાવર( હિજરતી) પક્ષીઓની તેમણે પાકી ઓળખાણ કેળવી છે.પર્યાવરણને સમર્પિત દંપતી હિતાર્થ અને કૃતિ પંડ્યાની મહેનત રંગ લાવી છે અને પક્ષી મિત્ર કિશોરો સ્થાનિક અને હીજરતી પક્ષીઓની બાબતમાં જીવંત પુસ્તક જેવા બની ગયા છે.
પક્ષીઓનું નિરીક્ષણ કરીને પક્ષી પ્રજાતિઓ નોંધવાની વધુ વ્યાપક જવાબદારી સોંપાઇ
એટલે વન વિભાગ છેલ્લા પાંચ વર્ષથી આ પક્ષી મિત્ર કિશોરોને પક્ષી ગણતરી વખતે જળાશય ખાતે લઈ જઈને એમને એક ચોક્કસ ક્ષેત્રમાં જોવા મળતા પક્ષીઓ અને સંખ્યાની નોંધ લેવાની જવાબદારી સોંપતું હતું.આ વખતે છઠ્ઠા વર્ષની ગણતરીમાં પક્ષીઓની ઓળખમાં તેમણે કેળવેલી નિપુણતાને ધ્યાનમાં લઈને તેમને તળાવના વિવિધ વિસ્તારોમાં પક્ષીઓનું નિરીક્ષણ કરીને પક્ષી પ્રજાતિઓ નોંધવાની વધુ વ્યાપક જવાબદારી સોંપવામાં આવી હતી.
પક્ષીઓની સંખ્યા જળવાય અને વધે તે માટેના ઉપાયોને આવરી લેશે
તેનાથી પ્રોત્સાહિત થઈને આ પક્ષી મિત્રોએ હવે છેલ્લા પાંચ વર્ષની સાથે આ વર્ષના નિરીક્ષણની નોંધો સરખાવીને તેનું સંશોધન પત્ર - રિસર્ચ પેપર તૈયાર કરવાનું નક્કી કર્યું છે.આ પક્ષી મિત્રો આ કામમાં એટલા તો ઓતપ્રોત છે કે તેમણે તમામ વર્ષની નિરીક્ષણ નોંધો પદ્ધતિસર જાળવી છે.તેના આધારે તેઓ રિસર્ચ પેપરમાં તળાવ ખાતે વર્ષોવર્ષ બદલાયેલી પરિસ્થિતિઓ અને સ્થાનિક તથા હીજરતી પક્ષીઓના વર્તન, આદતોમાં ફેરફાર,સંખ્યામાં ઘટાડો વધારો અને તેના સંભવિત કારણો તથા રામસર સાઈટમાં સ્થાન પામેલા આ વેટલેન્ડ - આર્દ્રભૂમિમાં મહેમાન બનતા પક્ષીઓની સંખ્યા જળવાય અને વધે તે માટેના ઉપાયોને આવરી લેશે.
આ વર્ષે યાયાવર પક્ષીઓ તો લગભગ આવ્યા જ નથી
વિશ્વ આર્દ્રભૂમિ દિવસે આ વર્ષે પક્ષી તીર્થની મુલાકાત તેમના માટે આનંદદાયકને બદલે આઘાતનો આંચકો આપનારી બની રહી.આ અંગે ટિમ લીડર નંદનીનું કહેવું છે કે, આ વર્ષે યાયાવર પક્ષીઓ તો લગભગ આવ્યા જ નથી અને સ્થાનિક પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.માત્ર અહીં નહીં પણ પોતાના ગામતળાવમાં પક્ષીઓ ઘટ્યા છે એવું તેમનું નિરીક્ષણ છે.
વનસ્પતિઓ,સૂક્ષ્મ જીવો અને નાના જળચરોને ખલેલ પહોંચે છે
આ અંગે ચર્ચા કરતા નંદનીએ જણાવ્યું કે પહેલું અને મોટું સંભવિત કારણ આ ક્ષેત્રમાં વધેલી માનવ પ્રવૃત્તિ અને તળાવમાં છલોછલ પાણી છે.યાયાવર કે સ્થાનિક પક્ષીઓને ભરપૂર તળાવ નહીં પણ કાદવિયું, છબછબિયાં થાય એવું છીછરું તળાવ માફક આવે છે.બીજું કે તળાવમાં પાળ કે અન્ય બાંધકામોથી કુદરતી રીતે ઉગતી વનસ્પતિઓ,સૂક્ષ્મ જીવો અને નાના જળચરોને ખલેલ પહોંચે છે. નેસ્ટિંગની અનુકૂળતા ઘટે છે.અહીં પ્રવાસીઓની અને વાહનોની વધેલી અવર જવર થી ખલેલ પહોંચે છે.આ બધી વિપરિતતા ઘટે એવું કરવું પડશે તો પક્ષી સંખ્યા વધશે.
તેઓ તાલીમાર્થીના પદે થી તાલીમદાતાની બઢતી પામ્યા
જો કે પ્રત્યેક નિરાશામાં એક ઉજળી આશા છુપાયેલી હોય છે.તે પ્રમાણે આ પક્ષીમિત્ર કિશોરો સાથે ઉત્સુક બાળકોની એક નવી ટિમ આ વખતે જોડાઈ છે.એટલે હવે તેઓ તાલીમાર્થીના પદે થી તાલીમદાતાની બઢતી પામ્યા હોય એવું તેમને લાગે છે.નવા અને નાના મિત્રો પક્ષીઓ અંગે જાણવા અને પક્ષીઓ ને ઓળખવા ઉત્સુક છે આ જુનિયર ટીમનું જમા પાસું છે.
કોઈ કચાશના રહી જાય એની કાળજી હિતાર્થ સર લઈ રહ્યા છે
નંદની અને સાથીઓની સિનિયર ટિમ તેમને ગામના તળાવના પક્ષીઓનો પરિચય આપી રહ્યા છે.તેમાં કોઈ કચાશના રહી જાય એની કાળજી હિતાર્થ સર લઈ રહ્યા છે. તેઓ અને કૃતિ મેડમ રોજ સાંજે લગભગ ત્રણ કલાક તેમના અભ્યાસક્રમનું શિક્ષણ આપીને તેમનું ભણતર પાકું કરાવી રહ્યા છે. પર્યાવરણનું રક્ષણ એક પેઢીનું કામ નથી.ઉત્તરોત્તર ઘણી બધી પેઢીઓ ખંતથી એ કામ ઉપાડી લે ત્યારે સમાજ જાગૃત અને પર્યાવવરણ સુરક્ષિત બને છે. ભાયલીના સામાન્ય પરિવારોના સીનીયર અને જુનિયર પક્ષી મિત્રો અને તેમના પર્યાવરણ માર્ગદર્શક મથી રહ્યા છે.આ મંથનમાંથી કોઈ અમૃત નીકળશે એવી શ્રદ્ધા રાખીએ
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરની ગણતરી આજથી શરૂ