VADODARA : રજાના દિવસે દબાણ હટાવો ઝૂંબેશ જારી, વોર્ડ નં - 5 માં પાલિકાનો સપાટો
VADODARA : રવિવારની રજાના દિવસે પાલિકાની (VMC - VADODARA) દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના વહીવટી વોર્ડ નં - 5 માં સમાવિષ્ટ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દુર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. રજાના દિવસે પાલિકાનું લશ્કર જોઇને દબાણકર્તાઓ ચોંકી ઉઠ્યા હતા. આજે ચાલતા દબાણ હટાવવાની કામગીરીમાં હાલ સુધી સ્થાનિકો જોડે ઘર્ષણની કોઇ ઘટના સામે આવી નથી. શરૂઆતના કલાકોમાં પાલિકાની ટીમ દ્વારા ત્રણ ટેમ્પા ભરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હોવાનું સક્ષમ અધિકારી મીડિયાને જણાવી રહ્યા છે.
વિસ્તારમાં સવાર-સવારમાં જ ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી
વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની હત્યા બાદ શહેરમાં ગેરકાયદેસર દબાણો દુર કરવા માટેની મોટી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આજે તે ઝૂંબેશનો સાતમો દિવસ છે. આજે રવિવારના દિવસે પણ પાલિકાનું તંત્ર પોલીસ તથા વિવિધ વિભાગોને સાથે રાખીને રસ્તા પરના ગેરકાયદેસરક દબાણો દુર કરી રહ્યું છે. જેને પગલે સરદાર એસ્ટેટ વિસ્તારમાં સવાર-સવારમાં જ ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. પાલિકાની ટીમ વહેલી પહોંચતા પોલીસ બંદોબસ્ત મેળવવા માટે થોડીક વાટ જોવી પડી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ત્રણ ટ્રક ભરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો
પાલિકાના સક્ષમ અધિકારી રાજેશ મેકવાને મીડિયાને જણાવ્યું કે, વહીવટી વોર્ડ નં - 5 માં સમાવિષ્ટ વિસ્તાર સરદાર પટેલ એસ્ટેટથી લઇને મહાવીર હોલ સુધીમાં ઓપરેશન ચાલુ છે. બાપોદ પોલીસ મથક, પાલિકાનો વહીવટી વોર્ડનો સ્ટાફ તથા અન્ય વિભાગોના સ્ટાફને સાથી રાખીને રોડ લાઇન પરના હંગામી દબાણો દુર કરવાની કામગીરી ચાલી રહી છે. રોડ લાઇન પરના શેડ, લારી-ગલ્લા, પથારા દુર કરવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં ત્રણ ટ્રક ભરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ 50 X 40 ફૂટનો મોટો પથારો પણ દુર કર્યો છે. આગામી સમયમાં વધુ સામાન જપ્ત કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો -- VADODARA : કોમન રિવ્યૂ મિશનના સદસ્યોએ લાલજીપુરાના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો