VADODARA : આરાધના પર્વ નવરાત્રી સાથે ગૌ સેવાને જોડતો અનોખો સંકલ્પ
VADODARA : આસો નવરાત્રી (NAVRATRI - 2024) માં જગદંબાજીની આરાધનાના મહાપર્વ જોડે ગૌ સેવાને સાંકળવાનો અનોખો પ્રયાસ વડોદરાની (VADODARA) શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર દ્વારા કરવામાં આવનાર છે. નવરાત્રીમાં જેમ માતાજીને અલગ અલગ દિવસે અલગ અલગ મિષ્ઠાનનો ભોગ અર્પણ કરવામાં આવે છે, તે રીતે શ્રવણ સેવા ફાઉન્ડેશન 33 કોટી દેવી-દેવતાઓને જેમનામાં વાસ છે, તેવા ગૌ માતા (GAU SEVA) ને 9 દિવસ અલગ અલગ મિષ્ઠાનનો ભોગ ધરશે. સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું કે, ગૌ માતા આપણા મનમાં રાષ્ટ્ર માતા જેટલા સન્માનિત છે. તેમના કલ્યાણ માટે અમે લાંબા સમયથી નિયમીતતા પૂર્વક કામ કરી રહ્યા છે. તહેવારોને ગૌ સેવામાં જોડવું તે પૈકીનો એક પ્રયાસ છે.
લીલુ ઘાસ, રોટલી તથા ફળોની ભોજન સેવા તો ખરી
શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે જણાવ્યું કે, નવરાત્રી એ જગદંબાજીની આરાધના, પૂજા-પાઠ કરીને અસીમ કૃપા મેળવવાનો મહાપર્વ છે. આ સમયે પૂજન અર્ચન સાથે માતાજીને નૈવેદ્ય ધરાવવાનું પણ અલગ મહત્વ છે. આ નૈવેદ્યમાં મિષ્ઠાનનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ રીતે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા 33 કોટી દેવી-દેવતાઓનો જેમનામાં વાસ છે, તેવા ગૌ માતાને મિષ્ઠાન નૈવેદ્ય અર્પણ કરશે. સાથે જ ગૌ માતાને લીલુ ઘાસ, રોટલી તથા ફળોની ભોજન સેવા તો અચુક આપવામાં આવશે.
મહાપર્વને ગૌ સેવા સાથે જોડવાનો ઉદ્દેશ્ય
નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, માં જગદંબાજીને અર્પણ કરવામાં આવતા મિષ્ઠાનમાં પૈકી અમે સુખડી, શીંગદાણા-તલની ચીક્કી, શીરો, માલપુવા, ગુલાબજાંબુ, કંસાર, બરફી, લાડું, અને મોહનથાળની પસંદગી કરી છે. અલગ અલગ દિવસે આ મિષ્ઠાન ગૌ માતાને અર્પણ કરવામાં આવશે. નવરાત્રીમાં ગૌ માતાને મિષ્ઠાન નૈવેદ્ય અર્પણ કરવા પાછળનો ઉદ્દેશ્ય મહાપર્વને ગૌ સેવા સાથે જોડવાનો છે.
તમામે એકજુટ થઇને મહેનત કરવાની જરૂર છે
આખરમાં નીરવ ઠક્કરે જણાવ્યું કે, ગૌ માતાની મહિમાં વર્ણવતા શાસ્ત્રોમાં ઘણું લખ્યું છે, સંતો-મહંતો દ્વારા ઘણું કહેવાયું છે. ત્યારે ગૌ માતા પ્લાસ્ટીક, કચરો તથા વાસી બગડી ગયેલો ખોરાક ના ખાય તે જોવાની જવાબદારી આપણી બને છે. આપણે સૌ નાના-નાના પ્રયત્નોથી આ શક્ય બનાવી શકીએ છીએ. તમામે મળીને આ દિશામાં એકજુટ થઇને મહેનત કરવાની જરૂર છે. ગૌ માતા તથા તેમનામાં વસેલા 33 કોટી દેવી-દેવતાઓની અસીમ કૃપા આપણા તમામ પર બની રહે તેવી પ્રાર્થના.
આ પણ વાંચો -- VADODARA : ગરબા ખેલૈયાઓ માટે ઇન્શ્યોરન્સ લેવાયો, સાપ રેસ્ક્યૂ માટે ટીમ તૈનાત રહેશે