VADODARA : ઊંઘમાં ચાલતા યુવકને મોત મળ્યું
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા વડું પોલીસ મથક (VADU POLICE STATION - VADODARA RURAL) માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાજપુરા ગામે રહેતા યુવકને ઊંઘમાં ચાલવાની ટેવ (SLEEPWAKLING HABIT - VADODARA) હતી. જે તેની માટે જીવલેણ સાબિત થઇ છે. 6, જાન્યુઆરી - 2025 ના રોજ મળસ્કે યુવક ઊંઘમાં ચાલીને ઘર બાજુની કેનાલમાં ખાબક્યો હતો. જે બાદ બીજા દિવસે તેનો મૃતદેહ રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. આ મામલે વડું પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
તે ઘર પાસે આવેલી કેનાલમાં ખાબક્યો
વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરાના તાજપુરામાં પ્રતિકભાઇ અશોકભાઇ માળી (ઉં. 18) રહેતો હતો. તેને ઊંઘમાં ચાલવાની ટેવ હતી. અને તેનો પરિવાર આ વાત જાણતો હતો. 6, જાન્યુઆરી - 2025 ના રોજ સવારે પાંચ વાગ્યાના આરસામાં તે ઊંઘમાં ચાલતો નીકળ્યો હતો. અને બાદમાં તે ઘર પાસે આવેલી કેનાલમાં ખાબક્યો હતો. આ ઘટના પરિજનોના ધ્યાને આવતા તેમણે તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કંઇ હાથ લાગ્યું ન્હતું.
બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો
બાદમાં આ અંગે પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાના બીજા દિવસે 7, જાન્યુઆરી - 2025 ના રોજ સવારે 8 વાગ્યે કર્ણાકુવા ગામ પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે તેની ઓળખ પ્રતિકભાઇ અશોકભાઇ માળી તરીકે કરી હતી. ઘટનાને પગલે પરિવારમાં આક્રંદ છવાઇ જવા પામ્યો હતો.
પોલીસ તપાસ સોંપાઇ
ઘટના અંગે મૃતકના પરિચિત જયંતીભાઇ રાવજીભાઇ માળી એ વડું પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી હતી. જે બાદ આ મામલાની તપાસ પોલીસ જવા પ્રવિણ વસંતરાવે સોંપવામાં આવી છે. તે બાદ તેમણે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- VADODARA : અયોધ્યાના રામ મંદિરમાં હાઇટેક ચશ્મામાંથી તસ્વીરો લેતા યુવકની અટકાયત