VADODARA : પૂર્વ કોર્પોરેટરના પુત્રનો હત્યારો બાબર નશેડી હોવાનો વીડિયો વાયરલ
VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા) ના પુત્ર તપન પરમારની પોલીસની હાજરીમાં ચાકુના ઘા ઝીંકીને હત્યા (EX, CORPORATOR SON MURDER CASE - VADODARA) કરવામાં આવી છે. આ ઘટના બાદ હત્યારા આરોપીના અનેક વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં વાયરલ (VIRAL VIDEO) થઇ રહ્યા છે. તે પૈકી કેટલાકમાં તે લાકડીથી ફટકારી રહ્યા છે, તો અન્યમાં તે એમ્બ્યુલન્સમાં જતા પહેલા ધમકી આપી રહ્યો છે. આ વચ્ચે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ એક યુવક મોબાઇલ પર કરવામાં આવેલી પાવડર જેની દેખાતી લીંટીને નાક વડે ખેંચી રહ્યો છે. આ યુવક હત્યારો બાબર હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ વીડિયા વાયરલ થતા લોકો વચ્ચે તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે. લોકોનું કહેવું છે કે, આરોપીની હિંમત અને ઝનુને જોઇને તે નશેડી હોવાની શક્યતાઓ હાલ તબક્કે નકારી શકાય તેમ નથી.
પોલીસની હાજરીમાં તેણે તપન પરમાર પર ચાકુના ઘા માર્યા હતા
થોડાક દિવસો પહેલા વડોદરાના કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં માથાકુટ થઇ હતી. આ માથાકુટમાં ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની મદદ માટે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર પણ હાજર હતો. દરમિયાન પોલીસના જાપ્તા સાથે મારામારીના ગુનામાં આરોપી બાબર ખાનને એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પત્નીએ તેને ચાકુ આપતા પોલીસની હાજરીમાં તેણે તપન પરમાર પર ચાકુના ઘા માર્યા હતા. જેથી તપન ત્યાં જ ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન તપનનું મોત નિપજ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા બે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.
પાવડરની લીંટી ને નાક વડે ખેંચી રહ્યો છે
હત્યામાં મુખ્ય આરોપી બાબર ખાન અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સપાટી પર આવ્યું હતું. આ સાથે જ બાબર દ્વારા અગાઉ કરવામાં આવેલી માથાકુટ, ગેરવર્તણુંક ના વીડિયો-સીસીટીવી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યા હતા. તે પૈકી એક વીડિયોમાં તે મોબાઇલ પર કરેલી પાવડરની લીંટી ને નાક વડે ખેંચી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ફિલ્મોમાં નશો કરતા સમયે બતાડવામાં આવતા હોય છે. જેથી બાબર પણ નશેડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. હવે પોલીસ આ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન કરાયું