VADODARA : 5 વર્ષના બાળકની શ્વાસનળીમાં સિટી ફસાતા બેબાકળો બન્યો
VADODARA : દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના પાંચ વર્ષના બાળક જયંતકુમાર વિપુલભાઈ તડવીને તેમના ગળામાં સિટી ફસાઈ જવાથી તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. આ વાત તેનું પરિવાર જાણતા તમામના જીવ તાળવે ચોંટ્યા હતા. બાદમાં તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ઇએન્ડટી વિભાગના નિષ્ણાંત તબિબો દ્વારા સલામત રીતે સિટી બહાર કાઢીને બાળક તથા તેના પરિવારને ચિંતા મુક્ત કર્યો હતો. આમ, બાળકનો બચાવ થયો હતો. જે બાદ બાળકના પરિજનોએ એસએસજી હોસ્પિટલના તબિબોનો આભાર માન્યો હતો.
સ્થિતિ પારખીને ડો. રંજન ઐય્યર તથા અન્ય તબીબોએ તત્કાળ સારવાર હાથ ધરી
આ બાળક પોતાના ગામમાં રમતા રમતા સિટી ગળી ગયો હતો. આ સિટી શ્વાસ નળીમાં ફસાઈ ગઈ હતી. તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. આથી તેને તાબડતોબ વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સ્થિતિ પારખીને ડો. રંજન ઐય્યર તથા અન્ય તબીબોએ તત્કાળ સારવાર હાથ ધરી હતી. તબીબોની ટીમે મહામહેનતે શ્વાસ નળીમાં ફસાયેલી સિટી બહાર કાઢી બાળકને બચાવી લીધો હતો. હાલમાં બાળકની તબિયત સ્થિર છે.
એસએસજી હોસ્પિટલની સારવાર વખણાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આવેલી એસએસજી હોસ્પિટલના તબિબોની સારવાર વખણાય છે. માત્ર વડોદરા બહાર જ નહિં પરંતુ રાજ્ય બહારના દર્દીઓ પણ અહિંયાની સારવાર મેળવીને હઠીલા રોગોમાંથી મુક્તિ મેળવીને જાય છે.
આ પણ વાંચો -- VADODARA : માતાની કિડની મળતા પુત્રને જીવનદાન, સારવારો ખર્ચ શૂન્ય