VADODARA : પાલિકાની ઢોર પકડતી ટીમ સામે નવો પડકાર
VADODARA : વડોદરા પાલિકાની રખડતા ઢોર પકડતી ટીમ સામે નવો પડકાર આવ્યો છે. તાજેતરમાં ગોત્રી વિસ્તારમાં પાલિકાની ટીમો રખડતા ઢોર પકડવા માટેની કામગીરી અર્થે પહોંચી હતી. દરમિયાન કર્મચારીઓએ પોતાના મોબાઇલ ફોન એક થેલીમાં મુકીને પાલિકાની ગાડીમાં મુક્યા હતા. કામગીરીના અંતે મોબાઇલ શોધવા જતા થેલી ગાયબ થઇ હોવાનું જણાયું હતું. આખરે ઉપરોક્ત મામલે અંદાજીત દોઢ લાખની કિંમતના મોબાઇલ ચોરી થવા મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. (STRAY CATTLE RESCUE TEAM LOST MOBILE PHONE - VADODARA)
પોલીસ પ્રોટેક્શન માટે તેઓ પોલીસ ભવન પહોંચ્યા
સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકમાં શિવ સિક્યોરીટીના કર્મી મુકેશભાઇ ગોસાઇએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, તેઓની ટીમ, ટીમ લીડર અમિત બ્રહ્મભટ્ટના નીચે પાલિકામાં રખડતા ઢોર પકડવાનું કામ કરે છે. કામ પર જવાનું થાય ત્યારે તમામ માણસોના મોબાઇલ જમા કરી લેવામાં આવે છે. તાજેતરમાં 7, માર્ચના રોજ સવારે ટીમ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન સવારે માર્કેટ ભેગા થયા બાદ પોલીસ પ્રોટેક્શન માટે તેઓ પોલીસ ભવન પહોંચ્યા હતા. પરંતુ બંદોબસ્ત નહીં મળતા આખરે તેઓ રખડતા ઢોર પકડવાની કામગીરી માટે નીકળી ગયા હતા.
મોબાઇલ લેવા જતા થેલી મળી આવી ન્હતી
ઉપરોક્ત કામગીરી દરમિયાન પાંચેય કર્મીઓના મોબાઇલ એક થેલીમાં મુકીને ગાડીમાં મુકી રાખવામાં આવ્યા હતા. જે બાદ ટીમો રખડતા ઢોર પકડવા માટે ગોત્રી વિસ્તારમાં ગઇ હતી. જે બાદ કામગીરી પૂર્ણ થયા બાદ મોબાઇલ લેવા જતા થેલી મળી આવી ન્હતી. આખરે રૂ. 1.46 લાખના મોબાઇલ ગુમ થવા મામલે ફરિયાદ નોંધાઇ છે.
મોબાઇલ સાચવવાની જવાબદારી પણ આવી પડી
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકાની રખડતા ઢોર પકડતી ટીમો અવાર નવાર ઘર્ષણનો સામનો કરતી હોય છે. ત્યારે આ વચ્ચે હવે તેમણે તેમના મોબાઇલ સાચવવાની જવાબદારી પણ આવી પડી હોય તેમ લાગી રહ્યું છે. હવે પોલીસ આ મામલે ક્યાં સુધીમાં તસ્કર સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : પ્રબોધસ્વામી જૂથે પિટિશન પરત ખેંચતા રૂ. 50 હજારનો દંડ