VADODARA : તસ્કરોએ ફરસાણ-મીઠાઇની મિજબાની માણી ગલ્લો ખાલી કર્યો
VADODARA : વડોદરાના હરિનગર ચાર રસ્તા પાસે આવેલી ફરસાણની દુકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સમોસા, રસગુલ્લા અને લસ્સીની મિજબાની માણીને ગયા હોવાનું ધ્યાને આવ્યું છે. ભરપેટ જમ્યા બાદ તેએ ગલ્લામાં મુકેલા ધંધાની આવકના રૂ. 1 લાખ લઇને પલાયન થયા હતા. એક જ રાતમાં ફસરાણની દુકાનની બાજુમાં આવેલી ઓટો પાર્ટસની દુકાનમાં પણ તસ્કરોએ હાથફેરો કરીને ગલ્લામાંથી રૂ. 80 હજાર ગાયબ કર્યા હતા. બંને મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અજાણ્યા તસ્કરો પ્રવેશ દ્વારનો નકુચો તોડીને પ્રવેશ્યા
ગોરવા પોલીસ મથકમાં રમેશભાઇ પટેલએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં હરિનગર બ્રિજ નીચે ઉમા સ્વિટ્સ એન્ડ ફરસાણ નામથી તેમની દુકાન આવેલી છે. 6 ફેબ્રુ, ના રોજ રાત્રે દુકાનને બંધ કરીને તેઓ ગયા હતા. બીજા દિવસે સવારે આવીને જોયું તો કેશનો ગલ્લો તુટેલી હાલતમાં હતો. આ ગલ્લામાં અંદાજીત રૂ. 1 લાખની ધંધાની આવકની રોકડ રાખવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરતા પહેલા માળેથી એપાર્ટમેન્ટના દાદર પરથી અજાણ્યા તસ્કરો પ્રવેશ દ્વારનો નકુચો તોડીને પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
છોલેલા તુવેરના દાણા અને સુકું લસણ પણ સાથે લઇ ગયા
આ સાથે જ તેમના મિત્ર કમલેશ પટેલની નજીકમાં ટુ વ્હીલર પાર્ટસની દુકાન આવેલી છે. જેમાં પણ પાછળના ભાગેથી પ્રવેશીને હાથફેરો કરવામાં આવ્યો હોવાનું તેમણે જાણ્યું હતું. આખરે બે કિસ્સામાં કુલ મળીને રૂ. 1.80 લાખ ના હાથફેરા મામલે અજાણ્યા શખ્સ સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. પ્રાથમિક સુત્રોએ જણાવ્યું કે, તસ્કરો શોપમાંથી સમોસા, રસગુલ્લા અને લસ્સી મનભરીને આરોગ્યા હતા. ત્યાર બાદ તેણે હાથફેરાને અંજામ આપ્યો હતો. સાથે તેઓ છોલેલા તુવેરના દાણા અને સુકું લસણ પણ સાથે લઇ ગયા હતા.
આ પણ વાંચો --- VADODARA : કોલેજ બેગમાંથી મોતનો સામાન ઝડપાયો