VADODARA : ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર ચાલક સન્માનિત કરાયા
VADODARA : દેશભરમાં હાલ રાષ્ટ્રીય સડક સુરક્ષા માસ (NATIONAL ROAD SAFETY MONTH - 2025) ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરામાં ટ્રાફિક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા વિવિધ પ્રકારે લોકજાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેની સાથે પોલીસ દ્વારા આજરોજ ટુ વ્હીલર પર હેલ્મેટ તથા કારમાં સીટ બેલ્ટના નિયમોનું પાલન કરવાર વાહન ચાલકોને ગુલાબનું ફુલ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે. જેને પગલે વાહન ચાલકોએ સુખદ આશ્ચર્યનો અનુભવ કર્યો હતો.
સન્માનિત થનાર વાહન ચાલકોને સુખદ આશ્ચર્યનો અનુભવ
સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ નિયમોનું ભંગ કરનાર પાસેથી દંડ વસુલવાની કામગીરી કરતી હોય છે. જે મોટા ભાગે વાહન ચાલકોને નથી ગમતી. ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર વાહન ચાલકો તો દુરથી જ પોલીસ જવાનોને પારખી જઇને વાહન વળાવી દે છે, આવી ઘટનાઓ આપણી આસપાસમાં બનતી આપણે જોઇ હશે. પરંતુ આજે વડોદરા શહેર ટ્રાફિક પોલીસનો નવો જ અભિગમ સામે આવ્યો છે. જેમાં સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર પર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટના નિયમોનું પાલન કરનાર ચાલકને ગુલાબનું ફુલ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે. નિયમોના પાલન બદલ ટ્રાફિક પોલીસના જવાનોથી સન્માનિત થનાર વાહન ચાલકો સુખદ આશ્ચર્યનો અનુભવ કરતા હોય તેવા હાવભાવ તેમના મોંઢા પર જોવા મળ્યા હતા.
લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે વધુમાં વધુ જાગૃત બને
ટ્રાફિક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, આજે વિવિધ ટ્રાફિક જંક્શન પર ટ્રાફિકના ટ્રાફિકના નિયમોનું પાલન કરનારને ફૂલ આપવાનું આયોજન છે. આ પ્રોત્સાહ પ્રવૃત્તિ છે. મોટા અધિકારીઓ આ મુહિમમાં જોડાયા છે. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે વધુમાં વધુ જાગૃત બને તે માટેનો અમારો આ પ્રયાસ છે. અમારૂ લોકોને કહેવું છે કે, હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યો હશે, ત્યારે તમારા શરીરને ઓછામાં ઓછું નુકશાન થશે. જેથી તે પહેરવું જોઇએ.
આ પણ વાંચો --- VADODARA : કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં WPL ની 6 મેચ રમાશે