VADODARA : રસ્તા પર જતી ટ્રકમાં આગ, ટ્રાફિક રોકી સ્થિતિ કાબૂમાં લેવાઇ
VADODARA : વડોદરાના સાવલી રોડ પર ગતરાત્રીએ જતા ટ્રકમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટના અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરો અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જે બાદ રસ્તા પર એક તરફનો ટ્રાફિક રોકીને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સદ્નસીબે આ ટ્રકના ચાલક અને ક્લિનરને બચાવી લેવામાં સફળતા મળી હતી. ઘટના પાછળનું ચોક્કસ કારણ હજીસુધી જાણી શકાયું નથી.
ગતરાત્રે ટ્રકમાં ભીષણ આગની ઘટના સામે આવી
વડોદરામાં ટ્રાન્સપોર્ટ વાહનમાં મોટી આગ લાગવાની સપ્તાહમાં બીજી ઘટના સામે આવી છે. થોડાક દિવસો પહેલા દુમાડ ચોકડી પાસે ટેમ્પાનું કેબીન ભડભડ સળગી ઉઠ્યું હતું. અને ત્યાર બાદ ગતરાત્રે ટ્રકમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ગતરાત્રે વડોદરાના સાવલી રોડ પર ચાલુ ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. જોત જોતામાં આગ પ્રસરતા આસપાસમાં ભય ફેલાયો હતો.
ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થયો
ઘટના અંગે જાણ થતા જ સાવલી પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક જામ દુર કરીને આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયામાં સરળતા રહે તે માટે રસ્તા પર એક તરફનો ટ્રાફિક રોકવો પડ્યો હતો. જે બાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં સમયસર કાર્યવાહી કરવાના કારણે ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો.
રેડી મીક્સ ભરીને કરજણ ખાતે ઠાલવવા જઇ રહ્યું હતું
પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, આગમાં ટ્રકને મોટું નુકશાન પહોંચ્યું છે. આ હાઇવા ટ્રક રેડી મીક્સ ભરીને કરજણ ખાતે ઠાલવવા જઇ રહ્યું હતું. જો કે, ટ્રકમાં રસ્તામાં જ આગ લાગી ગઇ હતી. હાલ તબક્કે આગ લાગવા પાછળનું નક્કર કારણ જાણી શકાયું નથી. આગ પર કાબુ મેળવી લીધા બાદ વાહનવ્યવહાર પુન ધમધમતો થયો હતો.
આ પણ વાંચો --- VADODARA : એક પણ પાઇ ખર્ચ્યા વગર પાલિકાનું કામ થશે