VADODARA : ટ્રક પાર્ક કરતા જીવંત વિજ વાયરનો સંપર્ક થયો, ચાલકની હાલત ગંભીર
VADODARA : વદોદરા (VADODARA) ની દુમાડ ચોકડી પાસે ટ્રક પાર્ક કરતી વેળાએ જીવંત વિજ વાયરનો સંપર્ક થતા દુર્ઘટના સર્જાઇ હતી. કરંટ ટ્રકમાં ફેલાઇ જતા ચાલક અતિગંભીર રીતે દાઝી ગયો હતો. અતિગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં એડમિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસ વિભાગના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇને સ્થિતી કાબુમાં લીધી હતી.
મોટા ભાગના શરીરે કરંટ લાગતા તે અતિગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયો
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, અજયસિંગ (રહે. રાજગઢ, પબાસી, રાજસ્થાન) ટ્રક લઇને અંકલેશ્વરથી પાણીપત જવા માટે તાજેતરમાં નીકળ્યો હતો. દરમિયાન વડોદરા નજીક આવેલા દુમાડ ચોકડી પાસેના પેટ્રોલ પંપ પર ટુંકો વિરામ કરવા માટે તેઓ રોકાનાર હતા. જેથી ટ્રક પાર્ક કરવા જતા જીવંત વિજ વાયર ટ્રકને અડી ગયો હતો. જેને પગલે ટ્રકમાં કરંટ ઉતર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ચાલકને હાથ-પગ મળીને મોટા ભાગના શરીરે કરંટ લાગતા તે અતિગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સ્થળ પર અફરા-તફરી મચી જવા પામી હતી. સ્થાનિકોએ જેમ તેમ કરીને અજયસિંગને પરિસ્થિતીમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોકલી આપ્યો હતો.
ટ્રકમાં લાદવામાં આવેલા સામાનમાં પણ મોટું નુકશાન પહોંચ્યું
ઘટના અંગે જાણ થતા ફાયર અને પોલીસ જવાનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને સ્થિતીમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો. જાણ થતા જ કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં અતિગંભીર ઇજાગ્રસ્તને પ્રથમ એસએસજી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. આ ઘટનામાં ટ્રકમાં લાદવામાં આવેલા સામાનમાં પણ મોટું નુકશાન પહોંચ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતા ઇજાગ્રસ્તનો પરિવાર પણ વતનથી દોડી આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : વૃદ્ધના અર્ધબળેલી હાલતમાં મળેલા મૃતદેહ અંગે પોલીસની બે થિયરી


