VADODARA : દુર્ગંધ મારતું પાણી અને ઉભરાતી ગટરથી પરેશાન તુલસીવાડીના રહીશો
VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસિક માનવસર્જિત પૂર વેઠ્યા બાદ પણ લોકોની સમસ્યાનો કોઇ અંત નથી. શહેરના તુલસીવાડી વિસ્તારમાં આવેલા ક્વાટર્સમાં ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે, જેના કારણે ઘરે ઘરે લોકો બિમાર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ પૂર સમયે આ ઘરોમાં 6 - 6 ફૂટ જેટલું પાણી હોવા છતાં કોઇ સ્થાનિક નેતા તેમની મદદે આવ્યો ન્હતો. હવે આ મુશ્કેલીઓથી ત્રસ્ત સ્થાનિકો તેનો કાયમી ઉકેલ માંગી રહ્યા છે.
લોકો સુધી કોઇ રાહત કિટ નહી પહોંચી
વડોદરામાં પૂર બાદથી અનેક વિસ્તારોમાં લોકોના પ્રશ્નો હજી પણ ઉકેલાયા નથી. આ પૈકી એક વિસ્તાર કારેલીબાગના તુલસીવાડીના ક્વાટર્સ છે. આ ક્વાટર્સમાં પૂર સમયે પાણી ભરાઇ જવાથી લોકોનું જીવન ભારે ખોરવાયું હતું. પૂરના પાણી ઓસર્યા બાદ લોકો સુધી કોઇ રાહત કિટ નહી પહોંચી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. તેની સાથે જ વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત દુર્ગંધ મારતું પાણી આવે છે. તેમજ ગટર ઉભરાવવાની સમસ્યા છે. જેને લઇને સ્થાનિકોએ એકત્ર થઇને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને આ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરી છે.
અમારી પાસેથી વેરો વસુલે છે
તુલસીવાડી વિસ્તારના પ્રવિણભાઇ સોલંકી જણાવ્યું કે, પાણીની કોઇ સુવિધા નથી. નકરું ગંદુ પાણી આવે છે. અમારી પાસેથી વેરો વસુલે છે, તો અમને સુવિધા તો આપવી જોઇએ. અમારા વિસ્તારમાં કોઇ કોર્પોરેટર આવતા નથી. માત્ર વોટ લેવા માટે જ આવે છે. કિટ પણ નથી મળી, અમારા ઘરમાં તો 6 ફૂટ જેટલું પાણી હતું. કોઇ જોવા આવ્યું નથી.
પાણી ડહોળુ અને ગટર મિશ્રીત આવી રહ્યું છે
સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, તુલસીવાડી 22 ક્વાટરમાં પાણીની સમસ્યા છે. ઘરે ઘરે બિમારી છે. પાણી ડહોળુ અને ગટર મિશ્રીત આવી રહ્યું છે. પાલિકાના કર્મીએ આગળથી જ કચરો કાઢીને જતા રહે છે. પાછળ તેઓ ચોખ્ખાઇ માટે આવતા નથી. અમારે ત્યાં ગટર ઉભરાઇ રહી છે. તેમાં સળિયા મારીને જતા રહે છે, આ બધાનો કોઇ કાયમી નિકાલ આવતો નથી.
આ પણ વાંચો -- VADODARA : ભાજપના કાર્યકર્તાથી લોકોનું દુ:ખ જોવાતું નથી, સત્તાધીશો સામે ઉઠાવ્યા સવાલ