VADODARA : સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા
VADODARA : ત્રણ વર્ષ અગાઉ વાઘોડીયા તાલુકાની 16 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજસ્થાન સહિતના સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચરનાર યુવાનને સાવલીની પોક્સો કોર્ટે કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો. (UNDER AGE GIRL RAPE CASE COURT VERDICT - VADODARA)
લગ્નની લાલચે તેનું ગત ડિસેમ્બર - 2021 માં અપહરણ કર્યું હતું
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર વાઘોડીયા તાલુકાના એક ગામમાં રહેતી અને કેટરીંગમાં મજૂરી કામ કરવા માટે જતી 16 વર્ષની કિશોરીને તેની સાથે મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાનના સુરજમલ મોહનલાલે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે તેનું ગત 2021ની 7મી ડિસેમ્બરે અપહરણ કર્યું હતું. બન્ને રાજસ્થાન સહિત અલગ અલગ સ્થળે રહ્યા હતા. વાઘોડીયા પોલીસે કિશોરીના પરિવારજનની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ભોગ બનનાર કિશોરીને શોધી કાઢી હતી. જ્યારે આરોપી સુરજમલની પાછળથી ધરપકડ કરી પુરાવાના આધારે તેની સામે સાવલી પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
અપહરણ અને એટ્રોસીટી એક્ટની કલમ હેઠળ અલગ સજા કરવામાં આવી
સાવલીના પોકસો કોર્ટના જજ જે.એ. ઠક્કર સમક્ષ આ કેસ ચાલી જતા સરકારી વકીલ સી.જે. પટેલની ધારદાર દલીલો અને પુરાવાના આધારે અદાલતે આરોપી સુરજમલને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ 50 હજારનો દંડ ફટકાર્યો હતો. અપહરણ અને એટ્રોસીટી એક્ટની કલમ હેઠળ અલગ સજા કરવામાં આવી હતી. આરોપી જે દંડની રકમ ભરે તે ભોગ બનનારને આપવા તેમજ ગુજરાત વિક્ટીમ કોમ્પેનશેસન સ્કીમ હેઠળ ભોગ બનનારને રૂ. 4 લાખનું વળતર ચુકવવા માટે ભલામણ કરેલ છે.
આ પણ વાંચો --- Rajkot ગોંડલમાં પતિ બન્યો હેવાન, પત્નીને છરીનાં ઘા ઝીંકી રહેંસી નાખી