VADODARA : ઉત્તરાયણની રાત્રે દિવાળી અને નવરાત્રીની ઝલક જોવા મળી
VADODARA : વડોદરા (VADODARA) માં રંગેચંગે ઉત્તરાયણ (UTTARAYAN - 2025) પર્વની દિવસભર ઉજવણી કરવામાં આવી હતી. સવારે કડકડતી ઠંડી હોવાના કારણે મોડેથી લોકો ધાબે પતંગ ચગાવવા માટે ચઢ્યા હતા. બાદમાં દિવસભર પતંગબાજી ચાલી હતી. મોડી સાંજ બાદ તુક્કલ પ્રમાણમાં નહીવત જોવા મળ્યા હતા. અંતે રાત્રે ધાબા પરથી નવરાત્રી (NAVRATRI) અને દિવાળી (DIWALI) જેવા માહોલની ઝલક જોવા મળી હતી. આમ, એક તહેવારના અંતમાં બે તહેવારનો આનંદ માણતા લોકો અગાશીએ નજરે પડ્યા હતા.
ચાર દરવાજા વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલીંગ
વડોદરામાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી થાય તે માટે પોલીસે અંત સુધી મહેનત જારી રાખી હતી. ચાઇનીઝ દોરા, કાચથી માંજેલા દોરા, પ્રતિબંધિત તુક્કલના વિક્રેતાઓને ત્યાં ઉત્તરાયણની આગલી સાંજ સુધી કાર્યવાહી ચાલી હતી. ઉત્તરાયણના દિવસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે માંડવી, ચાર દરવાજા વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. વડોદરામાં શહેરમાં જુના સિટી વિસ્તારમાં ઉત્તરાયણનો માહોલ આજે પણ પહેલા જોવો જામે છે. નવા વિસ્તારોમાં આ માહોલની ખોટ જણાય છે.
આતશબાજીએ દિવાળીની યાદ અપાવી દીધી
સવારથી શરૂ થયેલી પતંગબાજી મોડી સાંજ સુધી ચાલી હતી. ત્યાર બાદ ઘરના ધાબા પર દિવાળી અને નવરાત્રીનો માહોલ જામ્યો હતો. એટલે કે લાઉડ સ્પીકર પર ગરબાની રમઝટમાં લોકો મશગુલ થયા હતા. તો ક્યાંક આતશબાજીએ દિવાળીની યાદ અપાવી દીધી હતી. વડોદરામાં એક જ તહેવારમાં કુલ ત્રણ તહેવારોની મજા વડોદરાવાસીઓ લેતા હોય તેમ ભાસતું હતું. આજે વાસી ઉત્તરાયણના દિવસે પણ સાંજ બાદ આ રીતે માહોલ જામે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આ પણ વાંચો -- Chhota Udepur જિલ્લામાં ઉત્તરાયણના દિવસના 14 મેડિકલ ઈમરજન્સીના કેસ સામે આવ્યા