VADODARA : મકરસંક્રાતિ પર્વ પૂર્વે પાલિકાએ ખાદ્યપદાર્થોના નમુના લીધા
VADODARA : ઉત્તરાયણ (UTTARAYAN - 2025) પર્વ પર ઉંધીયુ, ચીક્કી, જલેબી તથા અન્ય ખાદ્યપદાર્થોની માંગ ભારે રહે છે. તેવામાં લોકમાંગ સંતોષીને પૈસા કમાવવા માટે અનેક લોકો સીઝનલ ધંધામાં ઝંપલાવે છે. ત્યારે લોકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઇને પાલિકા (VADODARA - VMC) દ્વારા વિતેલા 10 દિવસમાં 77 દુકાનો તથા 9 એકમોમાંથી ખાદ્યપદાર્થોના ચેકીંગ માટે નમુના લીધા છે. જેના રિપોર્ટ 15 દિવસ પછી આવશે. ત્યાં સુધીમાં તો તહેવાર વિતી ગયો હશે, અને સારૂ-ખરાબ લોકોએ જમી લીધું હશે.
પરિણામો 15 દિવસ પછી આવશે
વડોદરાની ખોરાક શાખા દ્વારા જાન્યુઆરીના શરૂઆતના 10 દિવસ સુધી ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ, માંજલપુર, મકરપુરા, છાણી, સંગમ, કારેલીબાગ, સહિતના વિસ્તારોમાંથી ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્થળોએથી મેથીના લાડું, ડ્રાયફ્રુટ લાડું, સેવ, બેસન, ગોળ, તેલ, ચીકી, ઉંધીયું તથા જલેબી સહિતના 189 નમુના લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેના પરિણામો 15 દિવસ પછી આવશે, તેમ પાલિકાના સુત્રોએ જણાવ્યું છે.
ઉંધીયુ, જલેબી, ચીક્કીનો સ્વાદ ભરપુર માણશે
પાલિકા દ્વારા ઉત્તરાયણ પૂર્વે કરવામાં આવેલી કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે. પરંતુ આ નમુનાઓના પરિણામો 15 દિવસ પછી આવશે, તે વાત લોકોની ચિંતાનો વિષય છે. ચાર દિવસ બાદ ઉત્તરાયણ છે, જેમાં લોકો પતંગ ચગાવવાની સાથે ઉંધીયુ, જલેબી, ચીક્કીનો સ્વાદ ભરપુર માણશે. આખો પર્વ વિતી ગયા બાદ તેના પરિણામો આવશે. ત્યાં સુધીમાં તો સારૂ ખરાબ જમવાનું લોકો આરોગી ગયા હશે.
સમયગાળો ઘટાડવાનો તંત્રએ પ્રયાસ કરવો જોઇએ
દર વખતે તહેવારો ટાણે આ પ્રકારની બુમો ઉઠતી હોય છે. ત્યારે ખાદ્ય પદાર્થોની તપાસ માટેનો સમયગાળો ઘટાડવાનો તંત્રએ પ્રયાસ કરવો જોઇએ તેવું લોકોનું કહેવું છે. 15 દિવસની જગ્યાએ ઓછા સમયગાળામાં પરિણામ આવે તો અખાદ્ય ખોરાકને લોકોના પેટમાં જતો અટકાવી શકાય.
આ પણ વાંચો -- VADODARA : MSU ના આસિ. પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ