VADODARA : તંત્રના 'તકલાદી' વિકાસ સામે લોકોનો મોરચો
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના વેમાલી સહિતના વિસ્તારોમાં પાયાની જરૂરિયાત સામે ત્રસ્ત નાગરિકો દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે બાદ પાલિકા દ્વારા વેમાલી સ્મશાન સુધી જતા રોડનું નિર્માણકાર્ય શરૂ કર્યું છે. પાલિકાના સ્માર્ટ કોન્ટ્રાક્ટર દ્વારા જમીનમાં ડામર પાથરીને તેના પર રોલર ફેરવીને રોડ (POOR QUALITY ROAD CONSTRUCTION IN VEMALI - VADODARA) બનાવવામાં આવી રહ્યો છે. જેની સામે સ્થાનિકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકો દ્વારા કોર્પોરેટરો અને અધિકારીઓને સુચન કરવામાં આવ્યું છે કે, જરૂરી પ્રક્રિયા અનુસરીને જ રોડ બનાવવામાં આવે.
લોકોની સુવિધા માટે ઉપયોગી થાય તેવી ગુણવત્તાનો રોડ બનાવો જોઇએ
વડોદરાના વેમાલીમાં વિરોધ બાદ લોકોની સુવિધા માટે કામ તો શરૂ થયું છે. પરંતુ પાલિકાના કોન્ટ્રાક્ટરો વેઠ ઉતારી રહ્યા છે. આ વાતની જાણ સ્થાનિકોને થતા જ તુરંત તેઓ સ્થળ પર પહોંચ્યા છે. અને વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક સંતોષભાઇ ઠક્કરે જણાવ્યું કે, અમે તાજેતરમાં માંગણીનું પ્રદર્શન કર્યું હતું. 24 કલાકમાં જ કામગીરી શરૂ કરવામાં આવી છે, તેના માટે અમે કોર્પોરેટરોનો આભાર માનીએ છીએ. પરંતુ રોડની ગુણવત્તાથી અમને સંતોષ નથી. સીધો માટી પર જ કોંક્રીટનો થર મારી દેવામાં આવ્યું છે. અમારી વિનંતી છે કે, ખરેખર લોકોની સુવિધા માટે ઉપયોગી થાય તેવી ગુણવત્તાનો રોડ બનાવો જોઇએ. આ રોડનું આયુષ્ય બે-ત્રણ મહિનાથી વધુ નથી. વરસાદની સીઝનમાં આ રોડ ટકશે નહીં. સીધુ માટી પર થર પાથરી દેવામાં આવ્યું છે. ખરેખર જરૂરી પ્રક્રિયા અનુસરવી જોઇએ, તેની સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના અધિકારીઓને અમારી વિનંતી છે.
ટ્રેક્ટરમાં મુકીને સ્વજનના મૃતદેહને સ્મશાન લાવવા પડ્યા હતા
અન્ય સ્થાનિકે જણાવ્યું કે, જ્યારે કોઇનું મૃત્યુ થાય છે, ત્યારે વેમાલી મુક્તિધામમાં અમે લઇને આવીએ છીએ. 5 વર્ષથી વેમાલી પાલિકામાં સમાવેશ થયો છે. મુખ્યમાર્ગથી સ્મશાન સુધીનો માર્ગ 300 મીટરનો છે. વારંવાર રજુઆત કરવા છતાં પણ કામગીરી કરી નથી. લોકોએ ટ્રેક્ટરમાં મુકીને સ્વજનના મૃતદેહને સ્મશાન લાવવા પડ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં તો ટ્રેક્ટર પણ પલટી ખાઇ જતા હતા. નેતાઓ આવતા નથી, તેઓ લોકો સાથે સંવાદ પણ કરતા નથી. હમણાં તેમણે નિમ્ન કક્ષાના રોડનું કામ શરૂ કર્યું છે. માત્ર ડામર પાથરીને રોલર ફેરવીના જતા રહ્યા છે. કોઇ લેવલીંગ કર્યું નથી. એક ઝાપટું પડશે, તો રોડ તબાહ થઇ જશે. રોડને છોડીને પાલિકા સ્મશાનના રીનોવેશન પર ભાર મુકી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : VMCના એક નિર્ણયે અનેકને ઘરે બેસવા મજબુર કર્યા