VADODARA : પોકલેન મશીનના પાવડાથી મહાકાય કાચબો વિંધાયો
- વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં જળચર જીવના મોતની પ્રથમ ઘટના સામે આવી
- પોકલેન મશીનથી ઉંડો ઘા વાગતા કાચબાનું સારવાર દરમિયાન મોત
- પ્રાણીપ્રેમીઓ દ્વારા કામગીરીમાં સાવચેતી રાખવા જણાવાયું
VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) માં પૂર નિવારણ માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે. દરમિયાન તાજેતરમાં મંગરપાંડે બ્રિજ પાસે ચાલતી કામગીરી દરમિયાન પોકલેન મશીનના પાવડાથી મહાકાય કાચબાની પીઠ વિંધાઇ હતી. જે બાદ તેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પ્રાણીપ્રેમીમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. લોકચર્ચા અનુસાર, કામગીરી સમયે દેખરેખ રાખવા જીવદયાપ્રેમીઓને રાખવામાં આવ્યા છતાં આ અકસ્માત સર્જાયો તેની સઘન તપાસ થવી જોઇએ. નહિં તો આવનાર સમયમાં પણ નિર્દોષ જીવો મૃત્યુ પામતા રહેશે.
પીઠ વિંધાઇ ગઇ અને ઉંડો ઘા વાગ્યો
વડોદરામાં પૂર નિવારવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને પહોળી અને ઉંડી કરવામાં આવી રહી છે. આ માટે મોટી સંખ્યામાં મશીનરી નદીના પટમાં કાર્યરત કરાઇ છે. તાજેતરમાં શહેરના સમા વિસ્તારમાં આવેલા મંગલપાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં કામગીરી દરમિયાન પોકલેન મશીનના પાવડાથી 40 વર્ષની ઉંમર અને 250 કિલો વજન ધરાવતા કાચબાની પીઠ વિંધાઇ ગઇ હતી. અને તેને ઉંડો ઘા વાગ્યો હતો.
પ્રથમ જળચર જીવના મોતની ઘટના
આ વાત ધ્યાને આવતા કાચબાને તુરંત ફોરેસ્ટ રેસ્ક્યૂ સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. પ્રોજેક્ટ અડધો પૂર્ણ થવા આવ્યો ત્યારે પ્રથમ જળચર જીવના મોતની ઘટના સામે આવી છે. પાલિકા તંત્ર દ્વારા આ અંગેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. સ્પેશિયલ વોલંટીયર્સની ફોજ આ કામગીરી દરમિયાન દેખરેખ રાખે છે. છતાં ઘટના સામે આવતા લોકોમાં તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારે ના થાય તે માટે તંત્રને અપીલ કરી છે.
આ કાચબાની પીઠ નરમ હોય છે
સમગ્ર ઘટના અંગે આરએફઓનું કહેવું છે કે, કાચબો સોફ્ટ સેલ ટોર્ટલ છે. સ્ટાર કાચબાની પીઠ મજબુત હોય છે. આ કાચબાની પીઠ નરમ હોય છે. આ કાચબા માટી નીચે સંતાઇ જાય છે. ઇજાગ્રસ્ત કાચબાને રેસ્ક્યૂ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : માંડવીના રિસ્ટોરેશનને લઇને મહારાણી રાધિકારાજેનો છુપો રોષ સામે આવ્યો


