VADODARA : વિશ્વામિત્રી નદીમાં ભવિષ્યમાં પૂર નિવારણ માટેનો પ્રથમ પડાવ પાર
VADODARA : વડોદરા (VADODARA) માં આવેલા માનવસર્જિત પૂર (MAN MADE FLOOD DISASTER - VADODARA) બાદ તેનું પુનરાવર્તન ના થાય તે માટે સરકાર અને સ્થાનિક તંત્ર બંનેએ કમર કસી હતી. જેને પરિણામના ભાગરૂપે કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ (CM GUJARAT - BHUPENDRA BHAI PATEL) , તેમના સલાહકાર, મુખ્ય સચિવ, અને અન્ય વિભાગોના અધિકારીઓ જોડે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રીએ પ્રેઝન્ટેશન જોયા બાદ પ્રાથમિક મંજૂરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રોજેક્ટને અમલી કરવા માટે મુખ્યમંત્રી દ્વારા વિવિધ વિભાગોની જરૂરી મંજુરીની પ્રક્રિયા ઝડપી કરવા સૂચન કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
પૂર્વ સચિવ નવલાવાલાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી હતી
વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી (VISHWAMITRI RIVER - VADODARA) નદીમાં ચાલુ વર્ષે માનવસર્જિત પૂર આવ્યું હતું. આ પૂરના પાણી અનેક દિવસો સુધી લોકોના ઘરોમાં રહેતા જનજીવન ભારે ખોરવાયું હતું. ત્યારે પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી હતી. કમિટીની રચના બાદ સમયાંતરે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જરૂરી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગતરોજ બી. એન. નવલાવાલાની અધ્યક્ષતામાં પૂર નિવારણ માટેની તૈયારીઓનું એક પ્રેઝન્ટેશન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ, તેમના સલાહકાર, મુખ્ય સચિવ, અને અન્ય વિભાગોના અધિકારીઓ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. જેને જોઇને મુખ્યમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ ફાઇનલ રિપોર્ટ અંગે ચર્ચા કરી
મુખ્યમંત્રી દ્વારા પ્રેઝન્ટેશનથી આગળ કામગીરી વધારવા માટે વાઇલ્ડ લાઇફ, એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ જેવા વિવિધ વિભાગોની મંજૂરી ઝડપથી મેળવવા માટે સુચન કર્યું છે. સાથે જ મુખ્યમંત્રીએ આગળની કામગીરી ઝડપી બનાવવા જણઆવ્યું છે. સુત્રેએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીએ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ ફાઇનલ રિપોર્ટ અંગે ચર્ચા કરી હતી. આવનાર સમયમાં કમિટીને વધુ એક બેઠક મળશે. તેમાં રિપોર્ટને મંજૂરી આપ્યા બાત મહિનાના અંત સુધીમાં રાજ્ય સરકારને સોંપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા રૂ. 1,200 કરોડની સહાયની જાહેરાત કરાઇ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પૂરની પરિસ્થિતી બાદ વિશ્વામિત્રી નદીના રિડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1,200 કરોડની સહાયની જાહેરાત કરાઇ હતી. આ સાથે જ જો જરૂર પડ્યે વધુ રકમની ફાળવણી માટે જણાવ્યું હતું. આ કાર્ય માટેનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી સમક્ષ રજુ કર્યા બાદ કમિટીએ પ્રથમ પડાવ પાર કર્યો હોવાનો ગણગણાટ છે. આ કાર્યની જલ્દીથી શરૂઆત કરવામાં આવે તેવી વડોદરાવાસીઓની માંગ છે.
આ પણ વાંચો -- VADODARA : 30 વર્ષ પછી કાંસની સફાઇનું મૂહુર્ત નીકળ્યું, એક ડઝન ટ્રેક્ટર સ્લરી કઢાઇ


