VADODARA : લો કરો વાત ! પૈસા ચૂકવ્યા છતાં કોન્ટ્રાક્ટર અધવચ્ચેથી કામ છોડીને ફરાર
VADODARA : વડોદરા (VADODARA) માં પાલિકા (VMC - VADODARA) ના કોન્ટ્રાક્ટર હવે અધિકારીઓને ગાંઠતા ના હોય તે વાતની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાના બિલ પાસ કરાવીને બાદમાં કામ અધવચ્ચેથી છોડી ગયા હોવનો આરોપ કોંગ્રેસના કોર્પોરેટર જણાવી રહ્યા છે. સાથે જ તેમણે ચેતવ્યા કે, જો આ કામ ચોમાસા પહેલા વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં નહીં આવે તો બે તળાવો છલકાઇ શકે છે. અને તેમના વિસ્તારના લોકોના ઘરમાં 12 ફૂટ સુધી પાણી ભરાઇ શકે છે.
ફક્ત ગટરનું પાણી આવે છે
વડોદરાના વહીવટી વોર્ડ નં - 13 ના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ મીડિયાને જણાવ્યું કે, અમારા વિસ્તારમાં છેલ્લા ગણા સમયથી સમસ્યા હતી કે, રાજસ્થંભ તળાવ અને કાશીવિશ્વનાથ તળાવનું પાણી જે લોકોના ઘરોમાં જતું હતું. તેના નિકાલ માટે વરસાદી કાંસ માટે વારંવાર રજુઆત બાદ અંદાજીત રૂ. 3 કરોડના ખર્ચે કામ મંજુર કરવામાં આવ્યું હતું. 80 ટકા કામગીરી કરવાની હતી, તે કામગીરી પૂર્ણ થઇ, તેના પછી જે કામગીરી બાકી રહી તે એક ઇજારદારને આપવામાં આવી હતી. હવે પરિસ્થિતી એવી થઇ છે કે, રાજમહેલમાં જે વરસાદી કાંસ જતી હતી, તેને બંધ કરી દેવામાં આવી છે. તેના લીધે પાછળના તળાવોમાં પાણીમાં વધારો થાય છે. ફક્ત ગટરનું પાણી આવે છે.
લોકોના ઘરમાં 12 ફૂટ સુધી પાણી ભરાઇ શકે છે
વધુમાં જણાવ્યું કે, અગાઉના ઇજારદારે પાઇપો નાંખી, કેચપીટો બનાવવાની હતી. તે કામગીરી યોગ્ય ના કરવાના કારણે, પાઇપમાં સ્લજ અને માટી જામ થઇ ગઇ છે. અને તેણે કેચપીટો બનાવવાની બાકી રાખી. તેણે રૂ. 42 લાખ લીધા અને જતો રહ્યો છે. અધિકારી તેને વારંવાર નોટીસો આપી રહ્યા છે, છતાં તે કામ કરવા માટે આવતો નથી. ખરેખર આ કામ જરૂરી છે, ચોમાસા સુધી આ કામગીરી કરવામાં ના આવે તો જે ચોમાસામાં લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યું હતું. તે લોકોના ઘરમાં 12 ફૂટ સુધી પાણી ભરાઇ શકે છે. વરસાદી પાણીના નિકાલનો આ એકમાત્ર રસ્તો હતો. જે અંદરનું હતું તે બંધ થઇ ગયું છે.
ઇજારદાર પાસેથી તમામ રકમ વસુલવામાં આવે
આખરમાં જણાવ્યું કે, આ ઇજારદાર આટલી દાદાગીરી કરતો હોય અને હલકી ગુણવત્તાનું કામ કરતો હોય તેને બ્લેકલિસ્ટ કરવો જોઇએ. અધિકારીઓને પણ બેદરકારી જણાય છે. આટલી મોટી રકમ આપ્યા બાદ જગ્યા પર ઝીરો કામગીરી દેખાય છે. આટલી મોટી રકમ લીધા બાદ અધુરી કામગીરી છોડીને ભાગી જાય તો પણ આપણે કોઇ એક્શન ના લે તે ખરાબ કહેવાય. ઇજારદાર પાસેથી તમામ રકમ વસુલવામાં આવે, અને કામ પૂર્ણ કરાવો. જ્યાં સુધી આ કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે લડતા રહીશું.
આ પણ વાંચો -- VADODARA : પાલિકાના સ્નેહમિલન કાર્યક્રમમાં લગ્નપ્રસંગ જેવો ખર્ચ, લોકો નારાજ


