VADODARA : પેવર બ્લોક પર ડામર પાથરી બુદ્ધિનું પ્રદર્શન કરતા પાલિકાના કોન્ટ્રાક્ટર
VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસિક પૂરની પરિસ્થિતી બાદ ખાડા પૂરવાની કામગીરી ચાલુ વરસાદે કરવામાં આવી હોવાના કિસ્સાઓ આપણી સામે આવી ચુક્યા છે. ત્યારે હવે તેનાથી વિશેષ પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા પેવર બ્લોક પર ડામર પાથરી તેના પર રોલર ફેરવીને બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોવાનો વીડિયો હાલ સપાટી પર આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સ્માર્ટ કોન્ટ્રાક્ટરો સામે લોકો સોશિયલ મીડિયામાં ફીટકાર વરસાવી રહ્યા છે. હવે આ વીડિયો સપાટી પર આવ્યા બાદ જવાબદાર લોકો સામે પાલિતા તંત્ર કોઇ પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું.
પાલિકા અને તેના કોન્ટ્રાક્ટરો હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાયા
વડોદરા પાલિકાના કોન્ટ્રાક્ટરો કેટલા સ્માર્ટ છે તે સૌ કોઇ શહેરવાસી જાણે જ છે. પાલિકાના કોન્ટ્રાક્ટરના બનાવેલા રસ્તા પર જેટલા ભૂવા આ ચોમાસાની સીઝનમાં પડ્યા, તેટલા ક્યારે નહી પડ્યા હોવાનો લોકોમાં ગણગણાટ છે. પાલિકાના કોન્ટ્રાક્ટર ટાર્ગેટ પુરૂ કરવા માટે ચાલુ વરસાદે પણ કામ કરે છે, અને તો તેનાથી વિશેષ કરતા હોવાનો વીડિયો સપાટી પર આવ્યો છે. જેણે વધુ એક વખત વડોદરા પાલિકા અને તેના કોન્ટ્રાક્ટરોને હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકી દીધા છે.
રોલર ફેરવીને તેને સમથળ કરવાનો પ્રયાસ
પૂર બાદથી રસ્તા પર પડેલા ખાડા-ભૂવાઓના પેચવર્કનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. દરમિયાન પાલિકાના વહીવટી વોર્ડ નં - 14 માં આવેલા ભગવાન નરસિંહજીનું મંદિર આવેલું છે. તેની પાસે પેવર બ્લોક નાંખવામાં આવ્યા છે. આ પેવર બ્લોક પર પાલિકાના સ્માર્ટ કોન્ટ્રાક્ટર દ્વારા ડામર પાથરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ તેના પર રોલર ફેરવીને તેને સમથળ કરતા હોવાનું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
સ્માર્ટ કોન્ટ્રાક્ટર સામે પાલિકા શું પગલાં લે છે
આ વીડિયો સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટરો કેવી રીતે કામ કરે છે, તો સૌ કોઇની સામે આવવા પામ્યું છે. ચોખ્ખે ચોખ્ખા પેવર બ્લોક જોઇ શકાય, તેવી જમીન પર તેણે ડામર પાથર્યો અને તેના પર રોલર ફેરવ્યું છે. હવે આ સ્માર્ટ કોન્ટ્રાક્ટર સામે પાલિકા શું પગલાં લે છે તે જોવા શહેરવાસીઓ આતુર બન્યા છે.
આ પણ વાંચો -- VADODARA : ભાજપના કાર્યકર્તાથી લોકોનું દુ:ખ જોવાતું નથી, સત્તાધીશો સામે ઉઠાવ્યા સવાલ