VADODARA : સાયકલ ટ્રેકનો ખર્ચો "પાણીમાં", પાઇપલાઇન માટે રસ્તો ખોદાયો
VADODARA : વડોદરા (VADODARA) પાલિકા (VADODARA - VMC) નું તંત્ર લોકો માટે સુવિધા તૈયાર કરવા અને તેની જાળવણીમાં કેટલું સક્ષમ છે, તે વાત શહેરીજનો જાણે જ છે. આ વાતની ખરાઇ કરાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાલિકા દ્વારા રૂ. 1 કરોડના ખર્ચે વાઘોડિયા રોડથી ઉમા ચાર રસ્તા થઇ વૃંદાવન ચોકડી થઇ બાપોદ તળાવ સુધીનો અગાઉ બનાવેલો સાયકલ ટ્રેક (VADODARA CYCLE TRACK) ખોદી કાઢવામાં આવ્યો છે. પાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન નાંખવા માટે આ ટ્રેક ખોદી કાઢવામાં આવ્યો છે. જેને કોર્પોરેટર પૈસાનું પાણી તરીકે સરખાવી રહ્યા છે.
ફળીભૂત થતા ભાગ્યે જ કોઇ વડોદરાવાસીએ જોયું હશે
સ્માર્ટ સિટીની તર્જ પર વડોદરાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તંત્ર કેટલું ઓવર સ્માર્ટ છે, તેની સાબિતી આપતા કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. આશરે એકઆદ વર્ષ પહેલા વડોદરા પાલિકા દ્વારા વાઘોડિયા રોડથી ઉમા ચાર રસ્તા થઇ વૃંદાવન ચોકડી થઇ બાપોદ તળાવ સુધીનો સાયકલ ટ્રેક રૂ. 1 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ સાયકલ ટ્રેક શરૂઆતથી જ વિવાદોમાં રહ્યો છે. સાયકલ ટ્રેકનું ઉદ્ધાટન કર્યાના ગણતરીના કલાકોમાં જ ટ્રેક પર લારીનું દબાણ જોવા મળ્યું હતું. જે ઉદ્દેશ્યથી ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેને ફળીભૂત થતા ભાગ્યે જ કોઇ વડોદરાવાસીએ જોયું હશે. સ્થાનિક કોર્પોરેટરનું કહેવું છે કે, ટ્રેક પર સાયકલ ચાલ્યા વગર એક કરોડ રૂપિયાનું પાણી કરી નાંખ્યું છે.
કરવા ખાતર કરેલા કામોના આવા જ પરિણામ મળે છે.
હવે સાયકલ ટ્રેક સાથે નવો વિવાદ જોડાયો છે. જેમાં લોકોના ટેક્સના પૈસાનું પાણી થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં પાલિકા દ્વારા સાયકલ ટ્રેક નીચે પાણીની પાઇપ લાઇન નાંખવાની હોવાથી તેને ખોદી કાઢવામાં આવ્યો છે. જેના કારણે સાયકલ ટ્રેક નામ માત્રનો રહી ગયો છે. સાયકલ ટ્રેકના નામે લોકોના ટેક્સના પૈસે મોંઘી મજાક કરી હોય તેવી લાગણી લોકો અનુભવી રહ્યા છે. જ્યારે જાળવણીની જવાબદારી અને લોકઉપયોગિતા નક્કી કર્યા વગર ખર્ચ થાય ત્યારે આ પ્રકારના પરિણામો જોવા મળતા હોય છે, તેવો ગણગણાટ લોકોમાં જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે, ટેક્સના પૈસાનો ત્યાં જ ઉપયોગ થવો જોઇએ જ્યાંથી લોકો માટે સાચા અર્થમાં સુવિધા ઉભી કરી શકાય, અને તેનો લોકોને ફાયદો મળે. કરવા ખાતર કરેલા કામોના આવા જ પરિણામ મળે છે.
આ પણ વાંચો -- VADODARA : BJP MLA ના નિવેદન બાદ કોર્પોરેટરે ચલાવ્યા શબ્દોના બાણ