VADODARA : એક પણ પાઇ ખર્ચ્યા વગર પાલિકાનું કામ થશે
VADODARA : વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવાની શરૂઆત (FLOOD REMEDIAL STEPS - VISHWAMITRI RIVER, VADODARA) થઇ ગઇ છે. જે અંતર્ગત વિશ્વામિત્રી નદીમાં ડિસિલ્ટિંગના કામ સાથે તેને ઉંડુ અને પહોળું કરવામાં આવનાર છે. તેની સાથે આજવા અને પ્રતાપપુરા સરોવર પણ ઉંડા કરવાનું કાર્ય (AJWA AND PRATAPPURA RESERVOIR TO DESILT - VADODARA) હાથમાં લેવામાં આવ્યું છે. બંને સરોવરોને ઉંડા કરવા માટે પાલિકા એક પણ પાઇ ખર્ચ નહીં કરે. લોકભાગીદારી અંતર્ગત માટીનું ખોદકામ કરીને વિનામુલ્યે તેને લઇ જવા દેવામાં આવશે. જેની મંજુરી ખાણ ખનીજ વિભાગ દ્વારા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુખ્યમંત્રીની મંજુરી મેળવ્યા બાદ કામ શરૂ કરવામાં આવ્યું
વડોદરામાં ગત વર્ષે ભયાનક પૂર આવ્યું હતું. જેમાં મોટા ભાગના નગરજનોએ તેમાં ભોગ બન્યા હતા. અને કેટલાય દિવસો ઘરમાં પાણી સાથે વિતાવવા પડ્યા હતા. જે બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તજજ્ઞ બી. એન. નવલાવાલાની અધ્યક્ષતામાં સર્વે કરીને રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટને મુખ્યમંત્રી સમક્ષ રજુ કરીને તેની મંજુરી મેળવ્યા બાદ કામ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડોદરાના આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરને પણ ઉંડા કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે.
ખાણ અને ખનીજ વિભાગ દ્વારા મંજુરી આપી દેવામાં આવી
આ કાર્યમાં એક પણ રૂપિયા પાલિકાએ ખર્ચ કરવા ના પડે તે ઉદ્દેશ્યથી સરોવરની ઉંડાઇ માટે લોકભાગીદારીથી કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પાલિકા વિનામૂલ્યે સરોવરની માટી લઇ જવા દેશે. આ અંગે અગાઉ સરકાર પાસે મંજુરી માંગવામાં આવી હતી. જે અંગે તાજેતરમાં ખાણ અને ખનીજ વિભાગ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. આ અંગે 27 ફેબ્રુઆરી સુધીમાં રસ ધરાવતી પાર્ટીઓ પાલિકાના પાણી પુરવઠા વિભાગમાં અરજી કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો આ કાર્ય લોક ભાગીદારી સિવાય કરવામાં આવે તો પાલિકાની તિજોરી પર મોટો બોઝ પડી શકે તેમ છે.
આ પણ વાંચો --- VADODARA : રૂ. 12.24 કરોડનું વીજબીલ બાકી, કનેક્શન કાપવાની તૈયારી


