VADODARA : પાલિકાએ ખોદેલા ખાડા ફરતે 'અસુરક્ષિત' આડાશ મુશ્કેલી સર્જે તેવી સ્થિતી
- વડોદરામાં ઠેર ઠેર ખાડા ખોદેલા જોવા મળે છે
- આ ખાડા ફરતે ઉભી કરેલી આડાશ અસુરક્ષિત હોવાની સાબિતી આપતી ઘટના સામે આવી
- સોશિયલ મીડિયા મારફતે સામે આવેલા સીસીટીવીને પગલે લોકોની ચિંતા વધી
VADODARA : વડોદરા (VADODARA) માં ડ્રેનેજ, પાણી સહિતના કામો માટે પાલિકા (VMC - VADODARA) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું છે. આ ખોદેલા ખાડા ફરતે અસુરક્ષિત રીતે આડાશ ઉભી કરવામાં આવી છે. આ આડાશ ચૂકી જતા એક શખ્સ ખાડામાં પડ્યો હોવાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા છે. આગામી સમયમાં ચોમાસું બેસવાનું હોવાના કારણે ખાડા ફરતે આડાશ વધુ સુરક્ષિત રીતે કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર કયા પગલાં લે છે તે જોવું રહ્યું.
સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ
વડોદરા પાલિકા દ્વારા શહેરમાં વિવિધ કામગીરી હેઠળ નાના-મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. આ ખાડા ફરતે આડાશ ઉભી કરવામાં આવી છે. પરંતુ આ આડાશ અસુરક્ષિત હોવાની સાબિતી આપતી ઘટના સપાટી પર આવી છે. જેને પગલે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે., જેમાં પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાની આડાશ પાસેથી યુવક પસાર થઇ રહ્યો છે. દરમિયાન અચાનક યુવક ચક્કર ખાઇને ખાડામાં પડે છે. આડાશના પતરા વચ્ચે બાંધેલી પટ્ટી તુટી જાય છે, અને યુવક સુધી જ ખાડામાં ગરકાવ થઇ જાય છે.
ખાડાની ઉંડાઇ આશરે 10 ફૂટ હોવાનું અનુમાન
આ ઘટના સમયે આસપાસમાં હાજર લોકો દોડી આવે છે. અને યુવકનો બચાવવાના પ્રયાસો કરે છે. આ ખાડાની ઉંડાઇ આશરે 10 ફૂટ હોવાનું અનુમાન છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના રાજેશ ટાવર રોડ પર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન માટેનું ખોદકામ કરવામાં આવ્યું હોવાના સ્થળનો આ વીડિયો છે. આ વીડિયો પરથી ખાડા ફરતેની આડાશ અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. ચોમાસા પહેલા મોટા ભાગની કામગીરી પૂર્ણ થાય તેવું હાલ લાગતું નથી. હવે આ મામલે તંત્ર દ્વારા બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : પેટ્રોલપંપમાં ભાગીદારી છોડવા દબાણ મામલે નેતા-પોલીસ સામે સનસનીખેજ આરોપ