VADODARA : દબાણ દુર કરવા પહોંચેલી પાલિકાની ટીમને માત્ર ખુરશી-ટેબલ હાથ લાગ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 20 દિવસથી વધુ સમયથી વિવિધ વિસ્તારોમાંથી દબાણો દુર કરવાની કામગીરી (ENCROACHMENT DRIVE - VADODARA, VMC) હાથ ધરવામાં આવી રહી છે. જેમાં આજે પાલિકાની ટીમો ફતેગંજ વિસ્તારમાં આવી પહોંચી હતી. સામાન્ય દિવસોમાં જ્યાં લારી-ગલ્લાના દબાણો જોવા મળે છે, ત્યાં પાલિકાની ટીમો આવતા જ સન્નાટો પથરાયો હતો. અને પાલિકાની ટીમને હાથ માત્ર ખુરશી-ટેબલ જેવા પરચુરણ દબાણો જ લાગ્યા હતા. લોકોનું કહેવું છે કે, પાલિકાની કાર્યવાહીની જાણ અગાઉથી થતા આમ બન્યું હોઇ શકે છે. જ્યારે પાલિકાના અધિકારીનું કહેવું છે કે, દબાણ હટાવવાની અગાઉ કરેલી કામગીરી લોકોના ધ્યાનમાં છે. જેથી હવે દબાણો રહ્યા નથી.
કામગીરીનું પેપર કોઇએ એડવાન્સમાં ફોડી નાંખ્યું
વડોદરા પાલિકા દ્વારા લાંબા સમયથી પોલીસ સાથે મળીને વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને પગલે ગેરકાયદે લારી-ગલ્લા તથા અન્ય દબાણ કરનારાઓમાં ભારે ફફડાટની લાગણી પેંસી જવા પામી છે. પરંતુ આજરોજ કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઇ નક્કર દબાણ ના મળતા હવે સવાલો ઉઠવા પામ્યા છે. સામાન્ય રીતે જ્યાં દબાણોની ભરમાર હોય છે, તેવા ફતેગંજથી નિઝામપુરા સુધીના વિસ્તારમાં આજે પાલિકાને માત્ર ખુરશી અને ટેબલના દબાણો જ મળ્યા હતા. જેને જોતા પાલિકાની કામગીરીનું પેપર કોઇએ એડવાન્સમાં ફોડી નાંખ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો આવી રીતે પાલિકાની દબાણ શાખા કામ કરશે, તો તેમને દબાણો દુર કરવામાં ક્યારે પણ હકીકતે સફળતા નહીં મળે.
બીજી જગ્યાએ જે કોઇ કામગીરી થઇ છે, આ તેની અસર છે
દબાણ શાખા ઇન્સ્પેક્ટર કમલેશભાઇએ મીડિયાને જણાવ્યું કે, ફતેગંજથી મહેસાણા નગર ચાર રસ્તા સુધી બે કિમીના વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. હમણાં તો કંઇ મળ્યું નથી, જે પરચુરણ સામાન છે તેને જમા લેવામાં આવ્યો છે. અમે કામગીરી કરી છે, જે મળશે તેને લઇ લેવામાં આવશે. શહેરમાં બીજી જગ્યાએ જે કોઇ કામગીરી થઇ છે, આ તેની અસર છે, દબાણો ઓછા થઇ ગયા છે. દબાણ હટાવવાની કામગીરી લોકો જાણે છે.
આ પણ વાંચો -- VADODARA : જંત્રીમાં વધારો થતા રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો


