VADODARA : પાલિકાના સ્નેહમિલન કાર્યક્રમમાં લગ્નપ્રસંગ જેવો ખર્ચ, લોકો નારાજ
VADODARA : વડોદરા (VADODARA) માં દિપાવલી પર્વ બાદ ધારાસભ્યો દ્વારા સ્વખર્ચે સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાલિકા દ્વારા લોકોના પૈસે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં જમણવાર પાછળ લગ્નપ્રસંગે જેટલો મસમોટો ખર્ચ કરી દેતા લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. વડોદરાની પાલિકામાં ચૂંટાઇને આવેલા મોટા ભાગના કોર્પોરેટરો સાધન-સંપન્ન પરિવારમાંથી આવે છે. ત્યારે લોકોના ટેક્સના પૈસાની મોટી રકમ સ્નેહમિલન કાર્યક્રમ પાછળ ના ખર્ચ થવી જોઇએ તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.
સ્નેહમિલન કાર્યક્રમો ધારાસભ્યો દ્વારા સ્વખર્ચે કરવામાં આવ્યા હતા
વડોદરામાં દિપાવલી બાદ ઠેર ઠેર રાજકીય સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિપાવલી પૂર્ણ થતા જ તુરંત વડોદરાની અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમો ધારાસભ્યો દ્વારા સ્વખર્ચે કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને શહેરીજનો જોડાયા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમ જમણવાર સાથેનો હતો. ધારાસભ્યોના સ્નેહ મિલન બાદ વડોદરા પાલિકા દ્વારા તેમના જેવો જ વૈભવી સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. જો કે, પાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ લોકોના ટેક્સના પૈસે હતો.
ફરાસખાનું, સ્વાદિષ્ટ જમણવાર, ફોટો-વીડિયોગ્રાફી કરવામાં આવી
પાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ માટે બજેટમાં માત્ર રૂ. 35 હજારની જ ફાળવણી કરવામાં આવી છે. તેની સામે પાલિકા દ્વારા ફરાસખાનું, સ્વાદિષ્ટ જમણવાર, ફોટો-વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ શાનદાર કાર્યક્રમનો ખર્ચ રૂ. 4 લાખથી વધુ પહોંચ્યો હોવાનું પાલિકાના સુત્રો જણાવી રહ્યા છે. સામાન્ય રીતે આટલા ખર્ચમાં લગ્નપ્રસંગ પાર પડી જતો હોય છે. દેખાડો માત્ર કરવા માટે પાલિકા દ્વારા એક જ વખતમાં આટલી મોટી રકમ ખર્ચી નાંખતા લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
સ્વખર્ચે જ આ પ્રકારના આયોજનો કરવા જોઇએ
લોકોમાં ગણગણાટ છે કે, પાલિકામાં ચૂંટાઇને આવેલા મોટા ભાગના કોર્પોરેટર સાધનસંપન્ન પરિવારોમાંથી આવે છે. ત્યારે ધારાસભ્યો પાસેથી તેમણે શીખવું જોઇએ. અને સ્વખર્ચે જ આ પ્રકારના આયોજનો કરવા જોઇએ. શહેરવાસીઓ અનેક સમસ્યા ભોગવી રહ્યા છે. ત્યારે લોકોની સુખ-સુવિધાઓ પાછળ પૈસાનો ખર્ચ કરીને પાલિકા તંત્રએ સમજદારી દાખવવી જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : બસની બહાર ડોકિયું કરતા મોઢું ચગદાયું, ડિવાઇડર કુદીને ટ્રેલર ભટકાતા એકનું મોત